પશુધન ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને કોંગો ફીવરનું સૌથી વધુ જોખમ, આરોગ્ય વિભાગે માર્ગદર્શિકા જાહેર કરી
Health Department has issued guidelines : તાજેતરમાં જામનગર ખાતે ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરથી 50 વર્ષીય પુરુષનું મૃત્યુ થયું હતું. ગુજરાતમાં પાંચ વર્ષ બાદ કોંગો ફીવરથી થયેલું આ સૌ પ્રથમ મૃત્યુ છે. કોંગો ફીવરથી થયેલા મૃત્યુ બાદ ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવર એક વાયરલ રોગ છે. મનુષ્યમાં વાયરસનો ફેલાવો ઇતરડીના કરડવાથી અથવા ચેપગ્રસ્ત પ્રાણીના રક્ત કે અન્ય સ્ત્રાવના સંપર્કમાં આવવાથી થાય છે. મોટા ભાગના ક્રીમિયન કોંગો હેમરેજીક ફીવરના કેસોમાં પશુધન ઉધોગ સાથે સંકળાયેલા લોકો અને પશુ ચિકિત્સકોને ચેપ લાગવાનો ભય હોય છે. વ્યક્તિ થી વ્યક્તિ સંક્રમણ ચેપી વ્યક્તિના લોહી અથવા અન્ય સ્ત્રાવના ગાઢ સંપર્કમાં આવવાથી થાય છે.
હોસ્પિટલમાં આ ચેપ તબીબી સાધનોનું અયોગ્ય સ્ટરીલાઈઝેશન, નીડલ અને દુષિત તબીબી સાધનોના પુનઃ ઉપયોગના લીધે થઈ શકે છે. મનુષ્યમાં ચેપ લાગ્યા બાદ 1-3 દિવસમાં આ રોગના લક્ષણો જોવા મળે છે. જામનગરમાં થયેલા મૃત્યુ બાદ આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ કરી આ દર્દીના સંપર્કમાં આવેલા વ્યક્તિઓને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનું સર્વેલન્સ કરી તેમના પર ઈતરડીનાશક દવાનો છંટકાવ તેમજ આજુબાજુના ઘરોમાં સ્પ્રેઇંગની કામગીરી શરૂ કરી દેવાયું છે.
વાયરલ ઈન્ફેક્શનના કેસમાં એક સપ્તાહમાં 20 ટકાનો વધારો
મોડી રાત્રે ઠંડી અને બપોરના સાધારણ ગરમી એમ મિશ્ર સિઝનને પગલે એક સપ્તાહમાં વાયરલ ઈન્ફેક્શનના કેસમાં 20 ટકાનો વધારો થયો છે. સોલા સિવિલમાં વાયરલ ઈન્ફેક્શનના 13 થી 19 જાન્યુઆરીના 1342 જ્યારે 20થી 26 જાન્યુઆરીના 1617 કેસ નોંધાયા હતા. 20થી 26 જાન્યુઆરીમાં ઓપીડીમાં 12481, આઈપીડીમાં 5730, એક્યુટ ડાયેરિયાના 17 કેસ નોંધાયા હતા. જાન્યુઆરીના 26 દિવસમાં બે દર્દી સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવ્યા છે.