શિક્ષણ વિભાગમાં નિયમોની બલિહારી : ફિક્સ પગારના કર્મચારીઓ અને અઘ્યાપકો વચ્ચે ભેદભાવથી રોષ
Education Department : શિક્ષણ વિભાગમાં કેવુ અંધેર તંત્ર ચાલી રહ્યું છે અને નિયમો નેવે મુકાઈ રહ્યા છે તેનો એક ઉત્તમ નમૂનો સામે આવ્યો છે. તાજેતરમાં સરકારે ગ્રાન્ટેડ કોલેજોના ફિક્સ પગારના અઘ્યાપક સહાયકોને પગાર વધારાનો ઠરાવ કર્યો છે, ત્યારે અઘ્યાપક સહાયકોને ઠરાવ તારીખથી પગાર વધારો અપાયો છે.
પરંતુ 1લી જુલાઈના રોજ ફિક્સ પગારના વહિવટી કર્મચારીઓને અપાયેલો પગાર વધારો 9 મહિનાના એરિયર્સ સાથે અપાયો છે. જ્યારે બીજી બાજુ અઘ્યાપકોની ફરિયાદ છે કે ગ્રેજ્યુએટ પાસ કર્મચારીને 49600 અને નીટ-સ્લેટ-પીએચડી પાસ અઘ્યાપકને માત્ર 52 હજાર પગાર અપાય છે.
અઘ્યાપકોને એરિયર્સ નહીં : કલાર્કને 49600 પગાર અને નેટ-પીએચડી પાસ અઘ્યાપકને માત્ર 52 હજાર
રાજ્યની 300થી વઘુ ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા અઘ્યાપક સહાયકોની ફરિયાદ છે કે સરકારે અનેક રજૂઆતો બાદ 30 ટકા પગાર વધારો કર્યો છે અને 52 હજાર માસિક પગાર કર્યો છે. પરંતુ ગત 13મી સપ્ટેમ્બરે કરાયેલા પગાર વધારાના ઠરાવમા એવી જોગવાઈ કરાઈ છે કે ઠરાવ તારીખથી જ પગાર વધારાનો અમલ ગણાશે.
જ્યારે બીજી બાજુ 1લી જુલાઈ 2024ના રોજ રાજ્યની ગ્રાન્ટેડ કોલેજોમાં ફરજ બજાવતા ફિક્સ પગારના વહિવટી કર્મચારીઓને પગાર વધારો આપતો જે ઠરાવ કરવામાં આવ્યો છે, તેનો અમલ 1 ઓક્ટોબર 2023થી કરવાની જોગવાઈ કરાઈ છે. આમ ફિક્સ પગારના વર્ગ-3 અને વર્ગ-4 વહિવટી કર્મચારીઓને 9 મહિનાનું એરિયર્સ પણ આપવામા આવ્યુ છે.જ્યારે 800 અઘ્યાપક સહાયકોને લાખો રૂપિયાનું નુકસાન થયુ છે.
આ ઉપરાંત ગ્રાન્ટેડ કોલેજોના વર્ગ 3 અને 4ના જુનિયરથી સિનિયર લેવલના કલાર્ક અને અન્ય કેટેગરીના વહિવટી કર્મચારીઓને પગાર વધારો કરતા 16224 રૂપિયા વધારીને 21100, 19950થી વધારીને 26000, 31340 રૂપિયાથી વધારીને 40800 અને 38090થી વધારીને 49600 રૂપિયા પગાર કરવામાં આવ્યો છે. અઘ્યાપક સહાયકોની ફરિયાદ છે કે વહિવટી કર્મચારીઓને પણ પગાર વધારો આપવામા આવ્યો અને વઘુ પગાર મળે તે જરૂરી છે અને સારી બાબત છે.
પરંતુ અઘ્યાપક સહાયકોને તેઓની સરખામણીએ મોટો અન્યાય સરકારે કર્યો છે. સ્કૂલોના શિક્ષકોને તેમજ કોલેજોના કલાર્કને 49600 રૂપિયા પગાર મળે છે, ત્યારે નેટ,પીએચડી પાસ અઘ્યાપકોને માત્ર 2400 રૂપિયા જ વધારે પગાર અપાય છે. આ બાબતે અઘ્યાપક મંડળને પણ રજૂઆત કરાઈ હતી પરંતુ મંડળ દ્વારા કેમ આ બાબતે સરકારને કોઈ રજૂઆત કરાતી નથી કે ઘ્યાન દોરાતું નથી. જ્યારે અઘ્યાપક મંડળના પ્રમુખનું કહેવુ છે કે આ બંને બાબતે અઘ્યાપકોને અન્યાય છે અને તે માટે સરકારને ગંભીરતાથી રજૂઆત કરી ઘ્યાને મુકવામાં આવશે.