Get The App

GST સામે રોષ: સૌરાષ્ટ્રભરમાં દાણાપીઠ,માર્કેટ,યાર્ડો સજ્જડ બંધ

Updated: Jul 16th, 2022


Google NewsGoogle News
GST સામે રોષ: સૌરાષ્ટ્રભરમાં દાણાપીઠ,માર્કેટ,યાર્ડો સજ્જડ બંધ 1 - image


રોજિંદા વપરાશના અનબ્રાન્ડેડ અનાજ-કઠોળ ઉપર પણ 5 ટકા  : કાઉન્સિલના પગલાથી મોંઘવારી બેફામ વધશે કહી ચેમ્બરોનો વિરોધ, વેપારીઓએ કહ્યું  1- 2 ટકામાં ધંધો કરીએ, કેન્દ્ર 5 ટકા ટેક્ષ પડાવશે!

 રાજકોટ,: સૌરાષ્ટ્રમાં પ્રવર્તમાન જી.એસ.ટી.ના ઉંચા દર જ  લોકો અને વેપારીઓને ઉંચા અને અસહ્ય જણાય છે તેમાં હવે છાશ,દહી,અનબ્રાન્ડેડ અનાજ, કઠોળ, ગોળ જેવી રોજિંદા વપરાશની જીવનજરૂરી ચીજવસ્તુઓ પર પાંચ ટકા જી.એસ.ટી.લદાતા અને સોમવારથી તેનો અમલ કરવા નોટિફિકેશન નાણામંત્રાલયે બહાર પડતા રોષની લાગણી પ્રસરી છે. આજે રાજકોટ,જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ સહિત તમામ જિલ્લામાં તથા ગોંડલ,ખંભાળિયા, ઉપલેટા સહિત તાલુકા મથકોએ ઠેરઠેર ગ્રેઈન માર્કેટ, દાણાપીઠો, માર્કેટ યાર્ડો સજ્જડ બંધ રહ્યા હતા અને રાજકોટ સહિત કેટલાક યાર્ડમાં કરોડોના વેપાર ખોરવાયા હતા. 

જામનગરમાં હાપા તથા જિલ્લાના અન્ય યાર્ડોમાં કૃષિ પેદાશોની હરાજીની પ્રક્રિયા બંધ રાખીને વેપારીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. જામનગરની ગ્રેઈન માર્કેટના તમામ 320 થી વધુ વેપારીઓએ સજ્જડ બંધ પાળ્યો હતો. જિલ્લાના હાપા, કાલાવડ, ધ્રોલ, જોડિયા, લાલપુર માર્કેટ યાર્ડમાં હરાજી બંધ થઈ હતી અને ખેડૂતોને તેમની જણસી નહીં લાવવા જણાવાયું હતું. રિટેલ વેપારી મહામંડળ દ્વારા બંધને સમર્થન અપાયું હતું. ખંભાળિયામાં પણ છૂટક અને જથ્થાબંધ અનાજ-કરિયાણા વેપારીઓએ બંધ પાળ્યો હતો અને દ્વારકા જિલ્લાનો મુખ્ય યાર્ડ સહિત યાર્ડો બંધ રહ્યા હતા. 

રાજકોટની દાણાપીઠના અઢીસોથી વધુ વેપારીઓએ સજ્જડ બંધ પાળીને એસોસીએશને રોષભેર જણાવ્યું કે  હવે કરબોજ સહન કરવાની હદ આવી ગઈ છે. જ્યાં જુઓ ત્યાં ટેક્સથી વેપાર ધંધા પડી ભાંગવાની ભીતિ સર્જાઈ છે. રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં અનેક વેપારીઓએ જીએસટીનો વિરોધ કરી હરાજીથી દૂર રહ્યા હતા પરંતુ, યાર્ડના ચેરમેન ભાજપના નેતા હોવાથી યાર્ડ ખુલ્લુ રાખ્યું હતું. 

ગોંડલમાં અનાજ કઠાોળના વેપારીઓએ બંધ પાળીને માંડવી ચોક ખાતે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને પાંચ ટકાનો બોજ સીધો ગૃહિણીઓ પર આવશે તેમ કહી રોષભેર મામલતદારને આવેદન અપાયું હતું. ઉપલેટા સહિત અન્ય તાલુકામાં પણ દુકાનો બંધ રાખી વિરોધ કરાયો હતો. 

પોરબંદર હોલસેલ અને રિટેઈલ ગ્રેઈન મર્ચન્ટ એસો.એ  દુકાનો બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો, એસો.એ જણાવ્યું કે જથ્થાબંધ વેપારીઓને નફાનો ગાળો માત્ર એક-બે ટકા રાખીને વેપાર કરાતો હોય છે અને તેમાં કેન્દ્ર સરકાર ૫ ટકા જીએસટી ઝીંકે તો ધંધા પોષાય જ નહીં. અંતે તો આ બોજ આમ જનતા પર આવવાનો છે. 

જુનાગઢ અને વિસાવદર સહિત જિલ્લાના વેપારીઓએ અનાજ,દહીં,લસ્સી વગેરે પર પાંચ ટકા જી.એસ.ટી. લાદવાના નિર્ણયને હળાહળ અન્યાયી ગણાવી દુકાનો બંધ રાખી વેરો દૂર કરવા આવેદનપત્ર આપ્યું હતું.  સોમનાથ વેરાવળમાં વખારીયા બજારમાં ૨૦૦થી વધુ દુકાનો તથા કાજલી  માર્કેટ યાર્ડ બંધ રહ્યા હતા અને જી.એસ.ટી.થી મોંઘવારી વધશે અને તે સાથે વેપારીઓને હેરાનગતિ પણ વધશે તેમ કહીને વિરોધ કરાયો હતો.  સૌરાષ્ટ્રની રાજકોટ સહિતની ચેમ્બર ઓફ કોમર્સ સહિત વ્યાપારી મહામંડળોએ પણ અસહ્ય કરબોજ સામે વિરોધ વ્યક્ત કરી તાકીદે પાછો ખેંચવાની માંગણી કરી છે અને જે કારણે બંધનું એલાન અપાયુ તેને સમર્થન આપ્યું હતું.



Google NewsGoogle News