અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ઈવેન્ટ, મહેમાનો માટે ખાસ ડ્રેસ કોડ અને જંગલ થીમ આધારિત ઉજવણી...
Anant Ambani-Radhika Merchant Wedding : રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. ત્યારે આ લગ્નની નાની મોટી દરેક બાબત ‘ટૉક ઓફ ધ ટાઉન’ બની ગઈ છે. ગુજરાતના જામનગરમાં પહેલી માર્ચથી ત્રીજી માર્ચ દરમિયાન અનંત-રાધિકાના પ્રિ વેડિંગ ઈવેન્ટ યોજાશે. આ ત્રણ દિવસના વિવિધ કાર્યક્રમોમાં દેશવિદેશની અનેક હસ્તીઓ હાજર રહેશે.
એન ઈવનિંગ ઈન એવરલેન્ડ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ વેડિંગ ઈવેન્ટનું કાર્ડ જાહેર થઈ ગયું છે. આ કાર્ડમાં પહેલી, બીજી અને ત્રીજી માર્ચે યોજાનારા કાર્યક્રમોની વિગતો જોવા મળે છે. પહેલી માર્ચે સાંજે 5:30 વાગ્યે કન્ઝર્વેટરીમાં ‘એન ઈવનિંગ ઈન એવરલેન્ડ’ નામનો કાર્યક્રમ યોજાશે. આ ઈવેન્ટનો ડ્રેસ કોડ છે, એલિગન્ટ કોકટેલ. આ દરમિયાન મહેમાનોને એક મેજિકલ વર્લ્ડની અનુભૂતિ થશે. તેમાં ગીતસંગીત અને નૃત્યની સાથે વિઝ્યુઅલ આર્ટિસ્ટ્રી અને સ્પેશિયલ સરપ્રાઈઝથી મહેમાનોનું મનોરંજન કરાશે.
જંગલ થીમ આધારિત ઉજવણી
બીજી માર્ચના કાર્યક્રમનું નામ છે, ‘એ વૉક ઓન ધ વાઈલ્ડસાઈડ’. વનતારા રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં સવારે 11:30થી બપોરે 3:00 વાગ્યા સુધી યોજાનારા આ કાર્યક્રમમાં મહેમાનોને જંગલ ફિવર થીમ આધારિત ડ્રેસ કોડ અને આરામદાયક ફૂટવેરમાં આવવાનું સૂચન કરાયું છે.
એ જ દિવસે સાંજે 7:30 વાગે મેલા રૂજ નામનો કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં ડ્રેસ કોડ રખાયો છે, ડેઝલિંગ દેસી રોમાન્સ. ગીતસંગીત અને નૃત્યના કાર્યક્રમો યોજીને એ સાંજને યાદગાર બનાવશે. આ દરમિયાન મહેમાનોને ડાન્સિંગ શૂઝમાં સજ્જ રહેવાનું સૂચન કરાયું છે.
કુદરતના સાનિધ્યમાં ઉજવણી
ત્રીજી માર્ચે એક ખાસ ઈવેન્ટ યોજાશે, જેનું નામ છે તકસીર ટ્રેલ્સ. સવારે 11:30થી બપોરે 2:00 વાગ્યા સુધી ગ્રીન એકરના ગજવનમાં યોજનારા આ કાર્યક્રમમાં મહેમાનો સવારે ભોજન કરીને બપોરનો સમય કુદરતના સાનિધ્યમાં વીતાવશે. આ ઈવેન્ટની ડ્રેસ કોડ થીમ છે, કેઝ્યુઅલ ચિક. આ દિવસે પણ મહેમાનોને આરામદાયક ફૂટવેરનું સૂચન કરાયું છે.
એ દિવસે સાંજે છ વાગ્યે શરૂ થશે, હસ્તાક્ષર કાર્યક્રમ, જે રાધાકૃષ્ણ મંદિરમાં યોજાશે. આ કાર્યક્રમમાં ડ્રેસ કોડ છે હેરિટેજ ઈન્ડિયન.
ગ્લોબલ સ્ટાર બનશે મહેમાન
આ ત્રણ દિવસના પ્રિ વેડિંગ ઈવેન્ટમાં પોપ સ્ટાર રિહાન્ના અને દિલજીત દોસાંજ પણ પરફોર્મ કરશે. આ દરમિયાન બિલ ગેટ્સ, માર્ક ઝુકરબર્ગ અને ઈવાન્કા ટ્રમ્પ જેવા વીવીઆઈપી મહેમાનો પણ હાજરી આપશે. આ કપલને દુલ્હા-દુલ્હન તરીકે જોવા તેમના પરિવાર સહિત આખું ગુજરાત આતુરતાથી રાહ જોઈ રહ્યું છે.