VIDEO: અનંત અંબાણીની ઈમોશનલ સ્પિચ સાંભળી મુકેશ અંબાણી આંસુ રોકી ન શક્યા
આજે સવારે મુકેશ અંબાણીએ જામનગર આવેલા મહેમાનોનો આભાર માન્યો હતો
Anant-Radhika Pre Wedding: જામનગર ખાતે શુક્રવારથી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડિંગ ફંક્શન શરુ થયું છે ત્યારે દેશ-વિદેશના બિઝનેસ ટાયકુન, બોલિવૂડ સેલિબ્રિટી તેમજ રમત-ગમત ક્ષેત્રની મોટી હસ્તીઓ આ ફંક્શનમાં હાજરી આપવા પહોંચી છે. આજે બીજા દિવસે અનંત અંબાણીએ એવી સ્પિચ આપી કે પિતા મુકેશ અંબાણી હર્ષના આંસુ રોકી શક્યા ન હતા.
અનંત અંબાણીએ મહેમાનોનો આભાર માન્યો હતો
જામનગરના ખાવડી ખાતે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ-વેડિંગ સેરેમની ચાલી રહી છે જેમાં કપલની ખુશીમાં સામેલ થવા માટે બોલિવૂડના અનેક સેલેબ્સ જામનગરમાં એકઠા થયા છે. આજે બીજા દિવસે મુકેશ અંબાણીએ જામનગર આવેલા મહેમાનોનો આભાર માન્યો હતો. આ પછી હવે અનંત અંબાણીએ મહેમાનો અને પરિવારના સભ્યો સાથે સ્પિચ આપી હતી. પોતાની સ્પિચમાં તેમની માતાનો આભાર માનતા કહ્યું હતું કે આ બધું મારી માતાએ કર્યું છે જે છેલ્લા ચાર મહિનાથી રોજ 18-19 કલાક તૈયારીમાં વ્યસ્ત હતા. હું તેમનો ખૂબ-ખૂબ આભાર માનું છું. થેંક્યુ મમ્મા. ત્યારબાદ અંનતે દરેક મહેમાનોનો જામનગર ફંક્શનમાં આવવા માટે આભાર માન્યો હતો અને પોતાના માતા-પિતા, ભાઈ-ભાભી અને બહેન-બનેવીનો પણ આભાર માન્યો હતો.
પોતાની સ્પિચ આગળ વધારતા કહ્યું હતું કે મારું જીવન ગુલાબ જેવું મુલાયમ રહ્યું નથી, તમારામાંથી કેટલાય લોકોને આ ખ્યાલ નહીં હોય. મે નાનપણમાં ઘણું દુ:ખ સહન કર્યું છે અને મારે ઘણા હેલ્થના ઈસ્યુ ફેસ કરવા પડ્યા હતા તેમ છતાં મારા માતા-પિતાએ હું બીમાર છું તે વાતનો ક્યારેય પણ અહેસાસ કરાવ્યો નથી. તે બંનેએ હંમેશા મને હિંમત આપી છે. આ ઉપરાંત તેણે આગળ કહ્યું હતું કે મારા માતા-પિતાએ એ દિવસો દરમિયાન મને વિશ્વાસ અપાવ્યો હતો કે હું જે વિચારીશ એ કરી શકીશ, આ માટે હું તે બંનેનો હમેશાં આભારી રહીશ, આટલું બોલતા જ મુકેશ અંબાણી આંસુ રોકી શક્યા ન હતા.
રાધિકા માટે અનંતે કહ્યું કે હું સો ટકા નસીબદાર
અનંત અંબાણીએ પોતાની સ્પિચમાં રાધિકા વિશે વાત કરતા કહ્યું હતું કે 'હું સો ટકા નસીબદાર છું. મને પણ ખ્યાલ નથી કે કેવી રીતે રાધિકા મળી, હુ ખરેખર વિશ્વનો નસીબદાર વ્યક્તિ છું. હું અને રાધિકા છેલ્લા સાત વર્ષથી સાથે છીએ તેમ છતાં મને એવું જ લાગે છે કે હું તેને ગઈકાલે જ મળ્યો છું અને હું તેના વધુને વધું પ્રેમમાં પડું છું.' ત્યાર બાદ અનંતે રાધિકાનો અને તેના પરિવારનો પણ ખૂબ આભાર માન્યો હતો. અનંતે તેના દાદી અને નાનીનો પણ આભાર વ્યક્ત કરતા કહ્યું હતું કે મારી નાનીએ મને ઘણું શિખવ્યું છે.