આણંદની સનરાઈઝ હોટેલે સ્વચ્છતા ન જાળવતા 30 હજારનો દંડ
- જૂના બસ સ્ટેન્ડ પાસે આરોગ્ય ટીમની તપાસ
- આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જણાતા દંડની રકમ સ્થળ પરથી જ વસૂલ કરાઈ
આણંદ : આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ટીમે આકસ્મિક આણંદના જુના બસ સ્ટેશન પાસે હોટલ સનરાઈઝ ખાતે તપાસ કરતા સ્વચ્છતાનો અભાવ જણાતા રૂા. ૩૦ હજારનો દંડ વસૂલાયો હતો.
આણંદના જૂના બસ સ્ટેશન પાસે આવેલી હોટેલ સનરાઈઝ ખાતે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ અને સેનેટરી ઈન્સ્પેક્ટરને સાથે રાખી ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. વિસ્તૃત તપાસમાં જાહેર આરોગ્યને નુકસાન કરતી ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. નાગરિકોના જાહેર આરોગ્ય માટે અત્યંત જોખમકારક હોવાથી હોટેલ સનરાઈઝ પાસેથી કાયદાની જોગવાઈને આધીન વહીવટી ચાર્જ પેટે રૂા. ૩૦ હજારની રકમ સ્થળ ઉપર જ વસૂલ કરાઈ હતી. મનપા વિસ્તારમાં ખાણીપીણીના એકમોમાં હજૂ ઓચિંતી તપાસ કરાશે અને જાહેર આરોગ્ય જોખમાતું હોવાનું જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે.