ગુજરાતની એક એવી બેઠક જ્યાં ભાજપ, કોંગ્રેસ અને એનસીપી વચ્ચે થશે ત્રિપાંખિયો જંગ!
Lok Sabha Elections 2024 : લોકસભા ચૂંટણી 2024ની તારીખોનું ચૂંટણી પંચ દ્વારા એલાન કરાઈ ચૂક્યું છે. રાજકીય પક્ષો દ્વારા લોકસભા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતમાં ભાજપે તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જ્યારે વિપક્ષ દ્વારા કેટલીક બેઠકો પર ઉમેદવારોનું એલાન બાકી છે. ત્યારે ગુજરાતની આણંદ બેઠક પર લોકસભા ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાઈ શકે છે. આણંદ બેઠક પરથી ભાજપે મિતેશ પટેલ અને કોંગ્રેસે અમિત ચાવડાને ટિકિટ આપી છે. તો થોડા દિવસ પહેલા એનસીપીના પ્રદેશ પ્રમુખ જયંત પટેલ (બોક્સી)એ સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકીને આણંદ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. ત્યારે જાણો આ બેઠક પરના સમીકરણો અને ઉમેદવારો વિશે...
આણંદ બેઠક પર વર્ષો સુધી કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. આ બેઠક પર 11 વખત કોંગ્રેસ અને ચાર વખત ભાજપની જીત થઈ છે. જોકે, કોંગ્રેસનો ગઢ રહેલી આણંદ બેઠક પર છેલ્લી બે ટર્મથી ભાજપના ઉમેદવારોની જીત થઈ રહી છે. તો આ બેઠક પર ઈશ્વરભાઈ ચાવડા કુલ પાંચ વખત વિજેતા થયા હતા. જ્યારે ભરતસિંહ સોલંકી આ બેઠક પર સતત બે વખત જીત્યા હતા. જોકે વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેશ પટેલ સામે ભરતસિંહ સોલંકીની હાર થઈ હતી. આ બેઠક પર ભાજપે ગત લોકસભા ચૂંટણીમાં નો-રિપીટ થિયરી અપનાવીને ઉદ્યોગપતિ મિતેશ પટેલને ટિકિટ આપીને દિલીપ પટેલનું પત્તું કાપી નાખ્યું હતું. ત્યારે પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર ભરતસિંહ હારી જતા તેમણે ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભરતસિંહના ઇનકાર બાદ કોંગ્રેસે અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપમાંથી મિતેશ પટેલ રિપીટ થયા છે. ત્યારે આ એ જ અમિત ચાવડા છે જેમના દાદા ઈશ્વરભાઈ ચાવડા આણંદ બેઠક પર અનેક વખત લોકસભા ચૂંટણી જીતી ચૂક્યા છે. તો ઈશ્વરભાઈ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના સસરા હતા. હવે આણંદ લોકસભા બેઠક પર ફરી એક વખત ક્ષત્રિય અને પાટીદાર ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ જામશે.
વર્ષ 1957 થી 2019 સુધીના આણંદ બેઠક પરના વિજેતા ઉમેદવાર
આણંદ લોકસભા બેઠકમાં કઈ વિધાનસભા બેઠકનો સમાવેશ?
ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ, સોજિત્રા બેઠકનો સમાવેશ થાય છે. આણંદ લોકસભા અંતર્ગત 7 લાખ 15 હજાર 737 મહિલા મતદાતા અને 7 લાખ 81 હજાર 118 પુરૂષ મતદાતા સાથે કુલ 14 લાખ 96 હજાર 859 મતદાતા છે.
કોણ છે અમિત ચાવડા અને જાણો તેની રાજકીય સફર
આણંદ જિલ્લાના આંકલાવમાં જન્મેલા અમિત ચાવડા શરૂઆતથી જ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ રાજકીય પરિવારમાંથી આવે છે. તેઓ NSUI અને ભારતીય યુવા કોંગ્રેસમાં સક્રિય રહી ચૂક્યા છે. તેઓ આંકલાવથી ધારાસભ્ય છે. તેઓ સતત ચાર ટર્મથી ચૂંટાતા આવે છે. તેઓ પ્રથમ વખત વર્ષ 2004માં બોરસદથી વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. 2007માં પણ તેઓ બોરસદથી જીત્યા હતા. ત્યારબાદ વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી આંકલાવથી જીત્યા પછી વિધાનસભામાં તેમને ઉપદંડક વિરોધપક્ષનો નવો કારભાર મળ્યો હતો. ત્યારબાદ 2017 અને 2019માં પણ તેમણે આંકલાવ બેઠક પર જીત મેળવી હતી. આમ, અમિત ચાવડા પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. વર્ષ 2018માં ભરતસિંહ સોલંકીએ કોંગ્રેસ પ્રમુખ પદેથી રાજીનામું આપ્યા બાદ અમિત ચાવડાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. જોકે વિધાનસભામાં કોંગ્રેસની હાર થતા તેમણે પ્રદેશ પ્રમુખ પદેથી રાજીનામુંં આપી દીધું હતું.
કોણ છે મિતેષ પટેલ અને જાણો તેમની રાજકીય સફર
મિતેશ પટેલ કે આણંદમાં ‘બકાભાઈ’ના હુલામણા નામથી ઓળખાય છે. તેમનો જન્મ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઉદ્યોગપતિ મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવતા નિર્વિવાદિત રાજકારણી છે. તેમણે બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.)માં ડિપ્લોમા કર્યું છે. મિતેશ પટેલ યુવા વયથી જ ભાજપમાં જોડાઈને રાજકારણમાં સતત સક્રિય છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં જીતીને તેઓ સાંસદ બન્યા હતા. મિતેષ પટેલની ગૃહમાં 97 ટકા જેટલી હાજરી રહી છે. આ દરમિયાન તેઓ 42 કરતા વધુ ડિબેટમાં સામેલ થયા હતા. તેમણે ગૃહમાં 221 જેટલા પ્રશ્નો ઉઠાવ્યા હતા. તેમાં પણ વિશ્વ સ્તરે દેશનું સંબોધન ઇન્ડિયાને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆતની નોંધ દેશભરમાં લેવાઈ હતી. આ સાથે તેમણે ભારતને ઉડ્ડયન કોડમાં VT (વિક્ટોરિયા ટેરિટરી) ના બદલે BT (ભારત ટેરિટરી) તરીકે સંબોધવામાં આવે તેવી રજૂઆત કરી હતી.
NCPના જયંત પટેલની આણંદ લોકસભા બેઠક પર ચૂંટણી લડવાની જાહેરાત
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પટેલ (બોસ્કી)એ પણ આણંદ લોકસભા બેઠક પર દાવેદારી નોંધાવી છે. જયંત પટેલ (બોસ્કી) એ સોશ્યલ મીડિયામાં પોસ્ટ મુકી આણંદ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. જેને પગલે હવે આણંદ બેઠક પર ભાજપના મિતેશ પટેલ, કોંગ્રેસના અમિત ચાવડા અને NCPના જયંત પટેલ (બોસ્કી) વચ્ચે ત્રિ-પાંખિયો જંગ જામશે.
આણંદ બેઠક પર જાતિગત સમીકરણ
હિન્દુ- 72.30%
મુસ્લિમ- 21.93%
ખ્રિસ્તી- 4.05%
જૈન- 1.03%
શીખ- 0.41%
બુદ્ધ- 0.02%