આણંદ જિલ્લા ભાજપ મહામંત્રીએ યુવકને ધમકી આપ્યાની એસપીને અરજી
પલટી ગયેલી કારનો વીડિયો ઉતારવા બાબતે
મહુધા પોલીસ મથકે અરજી આપતા સામા પક્ષકાર સાથે સમાધાન કરવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ
બારૈયાની મુવાડીમાં રહેતા સંજયભાઈ પર્વતભાઈ સોઢાએ જિલ્લા પોલીસ વડાને આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, તા.૨૦ ડિસેમ્બરે તે ખાત્રજ ચોકડીથી ડાકોર જઈ રહ્યા હતા. ત્યારે રાત્રે એક કાર પલટી મારી ગઈ હતી. જેમાં દારૂની બોટલો હતી અને તેમાં બેઠેલો એક શખ્સ દારૂ પીધેલી હાલતમાં હતો. તે સમયે યુવકે વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. તેમજ કારમાં સવાર એક યુવતીની મદદ કરી હતી. બીજા દિવસે યુવતીના મિત્રએ યુવકને ફોન કરી જણાવ્યું હતું કે, જો તું આ વીડિયો વાયરલ કરીશ તો હું તને પરેશાન કરી નાખીશ અને મારા મિત્રને જો કાંઈ થશે તો હું આણંદ જિલ્લાનો ભાજપનો મહામંત્રી છું, તારી પાછળ પડી જઈશ તેવી ધમકી આપી હતી. આ અંગે યુવકે મહુધા પોલીસ મથકે અરજી કરી હતી. ત્યાંથી સામાવાળા સાથે બેસી સમાધાન કરવા દબાણ કરવામાં આવ્યું હોવાના અને જો સમાધાન નહીં કરો તો તમારી વિરૂદ્ધ પણ એફઆઈઆર નોંધી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે સંજય સોઢાએ જિલ્લા પોલીસ વડાને અરજી કરી હતી. તેમજ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવે તેવી માંગ કરી હતી.