આણંદ શહેરમાં જિલ્લાકક્ષાના સાધન સહાય દિવ્યાંગ કેમ્પમાં અવ્યવસ્થા સર્જાતા હોબાળો
- જિલ્લાકક્ષાનો કાર્યક્રમ હોવા છતાં જિલ્લા વહીવટીતંત્રને જાણ ન કરાઈ
- અવ્યવસ્થા અંગે સરકારમાં રજૂઆત કરી અધિકારીઓ પાસે ખૂલાસો માંગ્યો
બેસવાની, પાણીની વ્યવસ્થાનો અભાવ ઃ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરે સ્થળ પર જઈ અધિકારીઓની ઝાટકણી કાઢી ઃ દિવ્યાંગો માટે તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચના
આણંદની જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા દિવ્યાંગોને સાધન સહાય આપવા માટે જિલ્લાકક્ષાના અસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લામાંથી અંદાજે ૫૦૦થી વધુ દિવ્યાંગો અને તેમના પરિવારજનો સહિત ૧,૫૦૦થી વધુ નાગરિકો જૂની કલેક્ટર કચેરીના ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા. કેમ્પના સ્થળે દિવ્યાંગો માટે બેસવાની, પીવાના પાણી સહિતની વ્યવસ્થાઓનો અભાવ જોવા મળ્યો હતો. સહાય અંગેના ફોર્મ માટે પણ માત્ર એક જ બારી રાખેલી હોવાથી ફોર્મ મેળવવા અને વિગતો ભરીને પરત આપવા માટે દિવ્યાંગોની ભીડ સર્જાઈ હતી.
નોંધનીય છે કે, જિલ્લાકક્ષાનો કાર્યક્રમ હોવા છતાં વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટર, મ્યુનિ. કમિશનરને જાણ કરવામાં આવી નહતી. તેમજ સમાજ કલ્યાણ વિભાગના અધિકારી રજા ઉપર હતા છતાં કેમ્પનું આયોજન કરાયું હતું. જોકે, જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી અને મ્યુનિ. કમિશનર મિલિંદ બાપનાને આ અંગે જાણ થતાં તે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમજ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ હોવા છતાં જિલ્લાકક્ષાએ અધિકારીઓને જાણ કેમ ન કરાઈ તે સંદર્ભે ઉપસ્થિત કર્મચારીઓની ઝાટકણી કાઢી હતી. તેમજ દિવ્યાંગો માટે બેસવાની, પાણીની વ્યવસ્થા કરવા કડક સુચનાઓ આપવામાં આવી હતી.
જિલ્લા વહીવટી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જૂની કલેક્ટર કચેરીએ યોજાયેલા દિવ્યાંગો માટેના કાર્યક્રમ વખતે જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી રજા મૂકીને વૈષ્ણવદેવી ગયા હતા તેમજ દિવ્યાંગોના કાર્યક્રમ અંગે વહીવટી તંત્ર સાથે કોઈ ચર્ચા થઈ ન હતી. જેથી દિવ્યાંગો માટે સગવડતા ઉભી ન કરાતા અવ્યવસ્થા સર્જાઈ હતી. દિવ્યાંગોને થયેલી અવ્યવસ્થા સંદર્ભે રાજ્ય સરકારમાં જાણ કરવામાં આવી હતી અને આ સંદર્ભે ખુલાસો માંગવામાં આવ્યો છે. તેમજ કાર્યક્રમ સંબંધિત અધિકારીઓ સામે કડક પગલાં લેવા જાણ કરાઈ છે.
ટોળું કચેરીમાં રજૂઆત કરવા જતાં કાચ તૂટયો, પોલીસે આવી મામલો થાળે પાડયો
જૂની કલેક્ટર કચેરી ખાતે યોજાયેલા કેમ્પમાં સવારથી પ્રજ્ઞાાચક્ષુ સહિતના દિવ્યાંગો પહોંચ્યા હતા. ૧૦૦થી ૧૫૦ વ્યક્તિઓની કેપેસિટી ધરાવતા મેદાનમાં ૫૦૦થી વધુ દિવ્યાંગો અને તેમની સાથે આવેલા પરિવારજનોની સંખ્યા ૧,૫૦૦થી વધુ પહોંચી જતાં અવ્યવસ્થા સર્જાઈ હતી. થોડા કલાકો સુધી રાહ જોયા બાદ દિવ્યાંગોનું ટોળું રજૂઆત માટે કચેરીમાં ગયું હતું. દરમિયાન નાની જગ્યા હોવાના કારણે કચેરીનો કાચ તૂટી ગયો હતો. પરિણામે પોલીસને જાણ કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા.