બોરસદના ચુવા ગામની સીમમાં અજાણ્યા યુવકનું ગળું કાપી હત્યા
- ખેતરમાંથી લોહીમાં લથપથ લાશ મળી
- એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યારાનું પગેરૂ મેળવવા પ્રયાસ શરૂ
ઝારોલા રોડ ઉપર બોરસદના ચુવા ગામની સીમમાં આવેલા ખેતરમાં શુક્રવારે નમતી બપોરે એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. ખેડૂતે લોહીથી લથપથ લાશ જોતા સરપંચને જાણ કરી હતી. જેથી સરપંચે બોરસદ ગ્રામ્ય પોલીસને જાણ કરતા પોલીસ, પેટલાદ ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ હાથ ધરતા મૃતક ૨૫થી ૩૦ વર્ષનો હોવાનો અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા મારી ગળું કાપી નાખી હત્યા કરવામાં આવી હોવાનું ખૂલ્યું હતું. મૃતકના માથા તથા શરીરના અન્ય ભાગોએ પણ તિક્ષ્ણ હથિયારના ઘા જોવા મળ્યા હતા. પોલીસે એફએસએલની મદદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક ગ્રામજનોની પૂછપરછ કરતા મૃતક સ્થાનિક ન હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ચુવા તથા આસપાસના ગામોમાં આવેલા ઈંટોના ભઠ્ઠા અને તમાકુની ખરીઓ ખાતે પૂછપરછ હાથ ધરી છે. તેમજ ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે. તથા ક્યા કારણોસર તેની હત્યા કરવામાં આવી તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.