નડિયાદમાં તલાટી બાગના છેડે ખૂલ્લો કાંસ ગંદકીથી ઉભરાયો
- સ્વચ્છતા મુદ્દે મહાપાલિકાની બેદરકારી
- દુર્ગંધ અને કચરાથી ખદબદતા કાંસથી મચ્છરજન્ય રોગચાળો ફેલાવાનો ભય
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગટર, પાણી, રસ્તાઓ જેવી સુવિધાઓ ઉભી કરવા લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. બીજી બાજુ શહેરમાં ઉભરાતી ગટરોનો પ્રશ્ન નગરજનો માટે માથાનો દુઃખાવો બન્યો છે. નડિયાદ શહેરના ટયુશન વિસ્તારમાં તલાટી બાગની છેડે ગટર લાઈન પર આવેલી દુકાનો ધરાસઇ થયા બાદ કાંસ ખુલ્લી હાલતમાં ફેરવાઈ ગયો છે. આ દુકાનો તૂટી ગયાને એક દાયકા ઉપરાતનો સમય થવા છતાં સત્તાધીશો દ્વારા ખુલ્લા કાંસને બંધ કરવા કોઈ પગલાં લેવામાં આવેલા નથી. જેના કારણે તલાટી બાગમાં ફરવા આવતા બાળકો ખુલ્લા કાંસમાં પડી જવાનો ભય રહે છે. ગંદકી- કચરાથી ખદબદતા ખૂલ્લા કાંસમાં જીવજંતુઓના ઉપદ્રવથી લોકોની સલામતી સામે જોખમ ઉભું થવા સાથે રોગચાળો ફેલાવાનો ભય છે. ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશો બસ સ્ટેશન, તલાટી બાગ જેવા પ્રજાથી ધમધમતા વિસ્તારમાં આવેલા ખૂલ્લા કાંસને બંધ કરવા સાથે સફાઈ હાથ ધરે તેવી માંગણી ઉઠી છે.