ઘર પાસે તડકો ખાતા વૃધ્ધને દોડતા ઘોડાએ લાત મારી દેતા મોત
- લિંબાયતમાં લગ્નપ્રસંગ માટે લવાયેલો ઘોડો બેકાબૂ બન્યો
- પાલકને
ધક્કો મારીને ઘોડો બેકાબૂ બની દોડવા લાગ્યો અને ૬૮ વર્ષીય નીમ્બાભાઇને અડફટે લઇ
લીધા
સુરત,:
લિંબાયતના આસપાસનગર ખાતે શુક્રવારે સાંજે લગ્ન પ્રસંગમાં લાવેલા ઘોડો અચાનક બેકાબુ બનીને દોડી આવીને વૃદ્ધને લાત મારતા ઈજા થવાથી મોત નીપજ્યું હતું.
સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ લિંબાયતના આસપાસ નગરમાં રહેતા ૬૮ વર્ષીય નીમ્બાભાઈ શંકરભાઈ પાટીલ ગુરુવારે સવારે તકલીફ હોવાથી ઘર પાસે તડકામાં ઉભા રહ્યા હતા. જ્યારે તેમના ઘર પાસે આવેલા શાંતિનગરમાં લગ્ન પ્રસંગ અંગે ઘોડાને લાવવામાં આવ્યો હતો. તે સમયે અચાનક ઘોડાની દોરી જે વ્યક્તિએ પકડી હતી તેને ધક્કો મારીને ઘોડો બેકાબૂ થઇ દોડવા લાગ્યો હતો. અને ઘર પાસે ઉભેલા નીમ્બાભાઇને ઘોડાએ લાત મારતા માથામાં, છાતીમાં અને હાથમાં ઈજા થઈ હતી. તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું આજે શનિવારે સવારે મોત નીપજ્યું હતું. નીંમ્બાભાઇ મુળ મહારાષ્ટ્રના નંદુરબારના વતની હતા. તે નિવૃત જીવન ગાળતા હતા. આ અંગે લિંબાયત પોલીસે તપાસ હાથ ધરી છે.