વારસિયામાં જૂના ઝઘડાની અદાવતે મારી નાંખવાની ધમકી
તમે લોકોએ મને તડિપાર કરાવ્યો હતો, તેવું કહીને ઝઘડો કર્યો
વડોદરા,વારસિયામાં જૂના ઝઘડાની અદાવત રાખી બે ભાઇઓેએ યુવકને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વારસિયા રીંગ રોડ પર શિરડી નગર સોસાયટીમાં રહેતો રિંકેશ કનુભાઇ રાજપૂત વાયરમેનનું કામ કરે છે. વારસિયા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગત ૮ મી તારીખે રાતે પોણા બાર વાગ્યે અજય સરગરાએ મને કોલ કરીને કહ્યું કે, મારા ભાઇ અંકિતને તે ચપ્પુ માર્યુ હતું. તેમજ તમે લોકોએ મને તડિપાર કરાવ્યો હતો. મને ગાળો બોલી તેણે મારી નાંખવાની ધમકી આપી હતી. થોડીવાર પછી અજય સરગરા તથા અંકિત મારા ઘરે આવ્યા હતા અને દરવાજો ખખડાવ્યો હતો. તેઓ અમારી સાથે કોઇ ઝઘડો ના કરે તે માટે અમે વારસિયા પોલીસ સ્ટેશનમાં અંકિત વિરૃદ્ધ અરજી આપી ઘરે જવા માટે નીકળ્યા હતા. તે દરમિયાન અજય તથા અંકિત મોપેડ લઇને આવ્યા હતા. તેઓ અમને ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી આપીને જતા રહ્યા હતા.