નાનપુરા-મક્કાઇપુલ પાસેથી અજાણ્યાનો મૃતદેહ મળ્યો હતો: રૂ. 400 ના ઝઘડામાં હમવતની ઉડિયા યુવાનને ઢોર માર મારતા મોત
- પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફૂટેજના આધારે મૃતકની ઓળખ બાદ તેને મારનારની ઓળખ થતા હત્યાનો ગુનો નોંધી અટકાયત
સુરત
નાનપુરાના મક્કાઇપુલ નજીક નાટ્યગૃહ પાસેથી પખવાડિયા અગાઉ અજાણ્યાનો મૃતદેહ મળી આવવાની ઘટનામાં પોસ્ટમોર્ટમ રીપોર્ટના આધારે અઠવાલાઇન્સ પોલીસે હત્યાનો ગુનો નોંધી રૂ. 400 ની લેતીદેતીમાં માર મારનાર મૃતકના હમવતની ઉડિયા યુવાનની અટકાયત કરી છે.
અઠવાલાઇન્સ પોલીસે ગત 12 માર્ચના રોજ નાનપુરાના મક્કાઇપુલ સર્કલ નજીક ચં.ચી મહેતા નાટ્યગૃહના ફુટપાથ ઉપરથી નાકના ભાગે લોહીલુહાણ હાલતમાં અજાણ્યા યુવાન મૃત હાલતમાં મળી આવ્યો હતો. અંદાજે 40 વર્ષીય અજાણ્યા યુવાનનો મૃતદેહને પોલીસે કબ્જે લઇ નવી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોસ્ટમોર્ટમ કરનાર ડોક્ટર દ્વારા માથામાં ઇજા થવાથી મોત થયું હોવાનો રીપોર્ટ આપ્યો હતો. જેથી પોલીસે ચં.ચી મહેતા નાટ્યગૃહની આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા. જેમાં ગત 11 માર્ચના રોજ સાંજે 6.36 કલાકે મૃતક યુવાન ફૂટપાથ ઉપર બેઠો હતો અને 6.48 કલાકે એક યુવાન તેની સાથે ઝઘડો કરી લાત વડે માર મારી એક પગ મચકોડીને જતા નજરે પડયો હતો. જેથી પોલીસે સ્થાનિક ફૂટપાથ ઉપર રહેતા લોકોની પૂછપરછ કરતા મરનાર ઓડિશાવાસી અને ભુરીયો નામ હોવાનુ જયારે તેને માર મારતા સીસીટીવીમાં કેદ થઇ જનાર રામકિશોર પ્રધાન પણ ઓડિશાવાસી હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે રામકિશોરની અટકાયત કરી પૂછપરછ કરતા મૃતક તેનો મિત્ર હોવાનું અને બંને વચ્ચે રૂ. 400 ની લેતીદેતી મુદ્દે ઝઘડો થતા માર માર્યો હોવાની કબૂલાત કરી છે.