દીવમાં શ્રીફળ (કાજળા) વ્રતમાં શ્રીફળ લૂંટની રસપ્રદ રસમ યોજાઈ
શ્રાવણ વદ ચોથના દિવસે સંત કબીરનાં પુણ્ય સ્મરણાર્થે વાંજા સમુદાય દ્વારા ઉજવણી જોલાવાડીના માજી સરપંચને નસીબ જોગે કાજળો હાથમાં આવતા તે લઈને ઝાંપા બહાર ભાગી છુટયા !
દીવ, : અહી વર્ષો જૂની પરંપરા મુજબ સંત કબીરજીની સ્મૃતિ નિમિત્તે શ્રાવણ વદી ચોથના દિવસે શ્રીફળ (કાજળા)વ્રતની ધામધૂમથી આનંદ ઉત્સવની ઉજવણી થાય છે. એ મુજબ આજે અહી આ ઉત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. વ્રત સાથે આ ઉત્સવ આનંદોત્સવ બની જાય છે કારણ કે અહી કાજળો લૂંટવાની પણ પરંપરા છે. એ માટે લૂંટાલૂંટ થઈ હતી, જેમાં જોલાવાડીના માજી સરપંચને નસીબજોગે કાજળો હાથમાં આવતા તે લઈને ઝાંપા બહાર ભાગી છુટયા હતા.
વાંઝા જ્ઞાાતિના ઉપક્રમે ફુલકાજળી ત્રીજના દિવસે રાત્રે શ્રીફળ કાજળાની સ્થાપના કરવામાં આવે છે. આ શ્રીફળીની વિધિવત પુજા કરવામાં આવે છે. બીજા દિવસ ચોથના દિવસે કાજળા ચોથ મનાવવામાં આવે છે. કાજળો શણગારીને પાલખીમાં રાખી દિવની ગલીઓમાં ભજનકીર્તન અને બેન્ડ વાજા સાથે શોભાયાત્રા નીકળે છ, જેમાં હજારો લોકો જોડાય છે અને દર્શન લાભ લે છે.
આ નિમિત્તે કાજળાકૂઈ મેદાનમાં વાંસમાથી બનાવેલી લાકડીઓ અને નાગરવેલના પાન તેમજ ફુલહારથી શણગારી વચ્ચે છાબડી ઉપર અગાઉ પૂજન થયેલા કાજળા શ્રીફળને સ્થાપિત કરવામાં આવે છે. અહી સાત ફેરા ફેરવ્યા બાદ કાજળો લૂંટવાની રસમ યોજાય છે. તેમાં સૌ કોઈ ભાગ લઈ શકે છે.જેનીે લૂંટાલૂટ બાદ આ શ્રીફળ જોલાવાડીના માજી સરપંચ સંજય વાજાના હાથમાં આવતા તે લઈ ઝાપા બહાર ભાગી છુટયા હતા.
એવી પરંપરા અને માન્યતા છે કે કાજળામાં મળેલો શ્રીફળ પ્રસાદ નિઃસંતાન સ્ત્રી શ્રદ્ધાપૂર્વક આરોગે તો એને સંતાન પ્રાપ્તિ થાય છે. અહીના કાજળા મહોત્સવમાં હજારો લોકોની મેદની ઉમટી પડી હતી. સમગ્ર ઉત્સવને સફળ બનાવવા માટે વાંજા જ્ઞાાતિના પ્રમુખ અને કાર્યવાહક મંડળના ભાઈ બહેનોએ જહેમત ઉઠાવી હતી.