વડોદરાનો ચેતવણીરૂપ કિસ્સો, હીંચકાના કડામાં ટાઈ ફસાઈ જતા 10 વર્ષીય બાળકનું મોત
Red Signal For Parents : વડોદરામાં માતા-પિતા અને પરિવારજનો માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. અહીં ઘર બહાર ફિટ કરેલા હીંચકામાં રમતા 10 વર્ષના બાળકે ગળામાં પહેરેલી ટાઇ હીંચકાના હુકમાં ફસાઈ જતા તેને ફાંસો લાગી ગયો હતો. પિતાની નજર પડતા તેઓ પુત્રને નીચે ઉતારી તરત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા, પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, લક્કડપીઠા માર્ગ પર ગનુબકરીના ખાંચામાં રહેતા ધરમભાઇ પટેલ શાકભાજીનો વેપાર કરે છે. તેમનો 10 વર્ષનો દીકરો રચિત ધો. 5 માં અભ્યાસ કરે છે. રચિતે સોમવારે એક ફંક્શનમાં હાજરી આપવાની હોવાથી ટાઇ પહેરી હતી. આ દરમિયાન તે ઘર બહાર હીંચકા પર રમતો હતો, ત્યારે તેને ફાંસો લાગી ગયો હતો. તેના પિતા ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમણે પુત્રને જમીન પર ફસડાઈ પડેલો જોયો હતો. બાદમાં તેઓ રચિતને તાત્કાલિક માંજલપુરની એક ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં ટૂંકી સારવારમાં જ તેનું મોત થયું હતું.
આ ઘટના પછી નવાપુરા પોલીસને જાણ કરતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રચિનું મૃત્યુ ગળે ફાંસો લાગી જવાથી જ થયું છે. રચિતનો જન્મ લગ્નના ઘણાં વર્ષો પછી થયો હતો, જેથી સમગ્ર પરિવાર, પરિવારજનો અને પાડોશીઓ પર આભ તૂટી પડ્યું હતું. રચિતને મલખંભ, પુલ અપ્સ જેવી કસરતનો પણ શોખીન હતો. તેથી હીંચકા ઝૂલતી વખતે ટાઇ હીંચકાના હુકમાં વીંટળાઇ જતા તેને ફાંસો લાગી ગયો હશે.
આ પણ વાંચો: રાષ્ટ્રીય શોક વચ્ચે સુરેન્દ્રનગરના ગ્લોબલ મેગા એક્સપો કાર્યક્રમમાં ગુજરાતી અભિનેત્રીના ઠુમકા
ટૂંક સમયમાં ઘરમાં ભાગવત કથાનું આયોજન હતું
ધરમભાઇ પટેલ ધાર્મિક હતા. તેમણે આગામી સપ્તાહે ઘર નજીક ભાગવત કથા રાખી હતી. તેમનો સમગ્ર પરિવાર આ સપ્તાહની તૈયારીમાં જ હતો. આ કથામાં તેઓ પુત્રને શંકર ભગવાનની વેશભૂષા પહેરાવવાના હતા. પરંતુ કાળ તેમના એકના એક પુત્રને ભરખી ગયો.
એકના એક પુત્રના શરીરે વાઢકાપની ના પાડી
આ દરમિયાન પોલીસે પોસ્ટમોર્ટમ કરાવવાની વાત કરી, ત્યારે માતા-પિતાએ શરૂઆતમાં ઘસીને ના પાડી દીધી હતી. તેમનું કહેવું હતું કે, અમારા એકના એક પુત્રના શરીર પર વાઢ-કાપ નથી કરાવવી. જો કે, પોલીસે કાયદાકીય કાર્યવાહીની સમજ આપતા તેઓ તૈયાર થયા હતા.
વર્ષોની બાધા પછી રચિતનો જન્મ થયો હતો
ધરમભાઇ ખંડેરાવ માર્કેટમાં શાકભાજીનો ધંધો કરે છે. તેઓનો મૂળ ધંધો લીંબુ વેચવાનો છે. એવું જાણવા મળ્યું છે કે, આ દંપતિને વર્ષોની બાધા પછી સંતાન થયું હતું, જેથી આ આઘાત જીરવવો તેમના માટે અત્યંત મુશ્કેલ છે. હાલ આ પરિવારનો કોઇ પણ પોલીસને કંઈ કહેવાની સ્થિતિમાં નથી. નાના બાળકોને એકલા રમતા મૂકતા વાલીઓ માટે આ લાલબત્તી સમાન કિસ્સો છે.
આ પણ વાંચો: બનાસકાંઠામાં 1.5 કરોડ રૂપિયાનો વીમો પકવવા માટે દફનાવેલી લાશ લાવી કારમાં સળગાવી
રચિત બુમરાહની એક્શનથી બોલિંગ કરતો
અશોક રાજે સ્કૂલમાં રચિત અભ્યાસ કરતો હતો. તેને ક્રિકેટનો પણ ભારે શોખ હતો. તે રોજ પોલો ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા જતો. ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહનો તે ફેન હતો. તે ક્રિકેટ રમીને આવે ત્યારે ફળિયાના લોકો તેને બોલાવે ત્યારે તે બુમરાહની જ વાતો કરતો. રચિત પણ બુમરાહની એક્શનથી જ બોલિંગ કરતો.
ડાકોરના સંઘમાં પણ રચિતે સેવા આપી હતી
હાલમાં જ આ ફળિયામાંથી ડાકોરનો પગપાળા સંઘ ઉપડયો હતો. તે સંઘમાં પણ રચિતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વાસદ નજીક પદયાત્રીઓ માટે સેવાનો પડાવ પણ ફળિયાના લોકોએ રાખ્યો હતો. તે પડાવમાં રચિત પણ લીંબુના શરબતની સેવા આપતો. રચિત દરેક એક્ટિવિટીમાં સામેલ થતો હોવાનું પાડોશીઓ જણાવી રહ્યા છે.