પાલિકાના ખુલ્લા પ્લોટ હંગામી ધોરણે ભાડે આપી 12 કરોડ જેટલી આવક ઉભી થઈ
- પાલિકાના ખુલ્લા પ્લોટ માટે નીતિ બને તો પ્લોટની જાળવણી થવા સાથે આવક પણ થઈ શકે
- પાલિકા પાસે ખુલ્લા પ્લોટ ભાડે આપવાની કોઈ નક્કર નીતિ ન હોવાથી અનેક પ્લોટ ખાલી છે, નવી નીતિ માટે કવાયત
સુરત, તા. 12 નવેમ્બર 2023, રવિવાર
સુરત મહાનગરપાલિકા ઓકટ્રોની નાબૂદી બાદ આવકના નવા સ્ત્રોત ઉભા કરવા કવાયત કરી રહી છે. જેમાં સુરત પાલિકાની ખુલ્લા પ્લોટ માટેની સ્પષ્ટ નીતિ ન હોવા છતાં અત્યાર સુધીમાં પાલિકાને ખુલ્લા પ્લોટની ફાળવણીમાં 12 કરોડની આસપાસ ની આવક થઈ છે. જોકે,પાલિકાના કેટલાક ખુલ્લા પ્લોટ પર મીલીભગત માં ગેરકાયદે દબાણ કરવામાં આવે છે તે બંધ કરી સ્પષ્ટ નીતિ બનાવવામાં આવે તો આ આવકમાં વધારો થઈ શકે તેમ છે.
સુરત મહાનગરપાલિકાના ખુલ્લા પ્લોટ પહેલાં ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો માટે આપવામાં આવતા હતા. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓને પણ કલાકારોને પ્રોત્સાહન માટેના આયોજન માટે આપવામાં આવતા હતા. જોકે, આવી કહેવાતી સંસ્થાઓ દ્વારા ધંધાદારી પ્રવૃત્તિ કરી કમાણી કરવામાં આવતી હતી. આવી પ્રવૃત્તિ માટે સુરત પાલિકાના રાંદેર ઝોનમાં પ્રાઈમ આર્કેડ ની બાજુમાં આવેલો ખુલ્લો પ્લોટ કાયમ સસ્તા ભાડે સંસ્થાઓને આપી દેવામાં આવતો હતો. જોકે, આવી સંસ્થાઓ દ્વારા ધંધાદારી પ્રવૃત્તિ જ કરવામાં આવતી હોય પુર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે આ પ્લોટ આખા વર્ષ માટે ભાડે આપી એક કરોડની આવક ઉભી કરી હતી આ આવક પહેલાં માંડ 25 ટકા જેટલી પણ થતી ન હતી. ત્યારબાદ પાલિકાના અન્ય ખુલ્લા પ્લોટમાં ફૂડ ઝોન, પાર્કિંગ કે અન્ય કોમર્શિયલ હેતુ માટે આપવામાં આવ્યા છે.
જોકે, આ અંગે વ્હાલા દવલા નીતિ થઈ હોવાની ફરિયાદ હતી તેમ છતાં આ પ્લોટ ભાડે આપીને પાલિકાએ અત્યાર સુધીમાં 11.90 કરોડની આવક ઉભી કરી છે. હજી પણ પ્લોટ ભાડે આપવા માટે ભાડા અને અન્ય કરાર માટે સ્પષ્ટ નીતિ નથી જેના કારણે વિવાદ થઈ રહ્યો છે. જેના કારણે આ પ્લોટ માટે સ્પષ્ટ નીતિ બનાવી પાલિકા આ આવકને હજી પણ વધારી શકે છે અને પાલિકાના બિન ઉપયોગી ખુલ્લા પ્લોટમાં ગેરકાયદે દબાણ અટકાવીને આવક પણ ઉભી કરી શકે તેમ છે જેના કારણે આગામી દિવસોમાં પાલિકાના અનામત બિન ઉપયોગી પ્લોટને હંગામી ધોરણે ભાડે આપવા માટે નવી નીતિ બનાવવા વિચારણા થઈ રહી છે.