કાસદ ગામની ગૌચરની જમીન ઉપર ગેરકાયદે ડમ્પિંગ સાઇટ બનાવી દીધી
ડમ્પિંગ સાઇટમાં પશુઓના મૃતદેહો ફેંકાતા હોવાથી ગ્રામજનોનું જીવન મુશ્કેલ બની ગયુ, માનવ આયોગે રિપોર્ટ રજૂ કરવા કલેક્ટરને સૂચના આપી
ભરૃચ : ભરૃચના કાસદ ગામે ગેરકાયદે બનાવવામાં આવેલી ડમ્પિંગ સાઈટમાં પશુઓના મૃતદેહો ફેંકાતા હોવાથી ભારે ગંદકી અને તિવ્ર દુર્ઘંધના કારણે ગ્રામજનોએ રહેવુ મુશ્કેલ બની ગયુ હોવાની ફરિયાદ હવે છેક માનવ આયોગ સુધી પહોંચી છે. આ મામલે માનવ આયોગે ભરૃચ કલેક્ટર અને પાલિકના ચિફ ઓફિસરને વિગતવાર અહેવાલ ૨૦ દિવસમાં રજૂ કરવા સૂચના આપી છે.
ભરૃચ તાલુકાના કાસદ ગામે પાણીની કેનાલની બાજુમાં આવેલી ગૌચરની જમીનમાં ભરૃચ નગરપાલિકાના કેટલાક અધિકારીના આશીર્વાદથી કાસદ ગામના કેટલાક લોકો ૭ વર્ષ પહેલા ડમ્પિંગ સાઇટ ઉભી કરી છે. જેનો ભારે વિરોધ છતા સાત વર્ષથી આ ડમ્પિંગ સાઇટ સાચી રહી છે. આ મામલે ગ્રામજનો લાંબા સમયથી ફરિયાદો કરી રહ્યા છે પરંતુ ફરિયાદ સાંભળનાર કોઇ નથી.
તંત્રના ચાર હાથ હોવાથી હવે આ લોકોની હિમ્મત વધી ગઇ છે અને ઘન કચરાની સાથે ડમ્પિંગ સાઇટમાં પશુઓના મૃતદેહો પણ ખુલ્લામાં ફેંકવામાં આવે છે. ડમ્પિંગ સાઇટ પાણી કેનાલની બાજુમાં જ છે જેનાથી પાણી દૂષિત થઇ રહ્યું છે ઉપરાંત ગંદકી અને દુર્ઘંધના કારણે ગામમાં લોકો બીમાર પડી રહ્યા છે. આ મામલે જાગૃત ગ્રામજનોએ ગત તા.૩૧મી ડિસેમ્બરે માનવ આયોગમાં ફરિયાદ કરી હતી. જે અનુસંધાને માનવ આયોગે ભરૃચ જિલ્લા કલેક્ટર અને ભરૃચ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસેથી ૨૦ દિવસમાં વિગતવાર અહેવાલ મંગાવવામાં આવ્યો છે.