ધ્રોલ નજીક ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
જામનગર જિલ્લાના ધ્રોળમાં ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીએ કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી છે. જે મામલે ધ્રોળ પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ ચલાવે છે.
આ બનાવની વિગત એવી છે કે મૂળ જૂનાગઢ જિલ્લાના કાણાકીય ગામના વતની અને હાલ ધ્રોલમાં વિજયકુમાર પંડ્યા ના મકાનમાં ભાડેથી રહેતા અને એક ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા ઉત્તમ ટપુભાઈ જાદવ નામના 25 વર્ષના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણસર પોતાના રૂમમાં પંખા ના હુકમાં દોરડું બાંધી ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લીધી હતી.
આ બનાવની જાણ થતાં ગીર ગઢડા ગામમાં રહેતા મૃતકના દાદા કરસનભાઈ જાદવ વગેરે દોડી આવ્યા હતા, અને સમગ્ર બનાવ મામલે ધ્રોળ પોલીસને જાણ કરતાં ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ એચ. જે. જાડેજા અને રાઈટર જગદીશભાઈ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, જ્યારે તેણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભરી લીધું છે, તે જાણવા માટે પરિવારજનોના નિવેદનો નોંધવાનું શરૂ કર્યું છે.