કતારગામના લેબગ્રોન ડાયમંડ ફેકટરીનો કર્મચારી રૂ. 49.38 લાખના હીરા તફડાવી રફુચક્કર
- 16 કેરેટનો હીરો ગાયબ થતા શંકા ગઇ અને સીસીટીવી ફૂટેજ ચેક કરતા ભાંડો ફૂટયોઃ હીરા ચોરી કાળુ નામના વ્યક્તિને વેચતો હોવાની કબૂલાત કરી
- રોકડ અને હીરા લઇને આવવાનું કહી ઘરે ગયા બાદ ભુગર્ભમાં ઉતરી ગયો
સુરત
કતારગામના તૃષ્ણા એક્સિમ નામના લેબગ્રોન હીરાની કંપનીનો સ્ટોક મેઇન્ટેન્સનું કામ કરતો કર્મચારીએ છેલ્લા છ મહિના દરમિયાન 1703.60 કેરેટના અંદાજે 100 થી વધુ રૂ. 49.48 લાખની કિંમતના હીરા ચોરી રફુચક્કર થઇ જતા કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાય છે.
કતારગામના ગજેરા સર્કલ સ્થિત તૃષ્ણા એક્સિમ નામના લેબગ્રોન હીરાની કંપનીના મેનેજર જયેશ દિલુભાઇ પરમાર (ઉ.વ. 46 રહે. ગંગા જમના એપાર્ટમેન્ટ, અડાજણ પાટિયા, સુરત) ને તેમના તાબામાં સ્ટોક મેનેજર કૃણાલ ભટ્ટે જાણ કરી હતી કે 8 જાન્યુઆરી 2024 ના રોજ કારીગરો પાસેથી જે સ્ટોક આવ્યો હતો તેમાંથી 16 કેરેટનો રૂ. 44 હજારનો હીરો ગાયબ છે. જેથી સ્ટોક મેઇન્ટેન્સનું કામ કરનાર ઉપર દેખરેખ રાખવાની સાથે સીસીટીવી ફૂટેજ ચેક કરતા છેલ્લા બે વર્ષથી લેસર ડિપાર્ટમેન્ટમાંથી આવતા હીરાનું સ્ટોક મેઇન્ટેન્સ કરતા અજય લક્ષ્મણ ભગોરા (રહે. પદ્દમાવતી ફ્લેટ, વર્ધમાન સોસાયટી, અમરોલી અને મૂળ. કિશનગઢ, તા. ભિલોડા, સાબરકાંઠા) ગરબડ કરતા નજરે પડયો હતો. ઉપરાંત 4 અને 5 ફેબ્રુઆરીના સ્ટોરમાં પણ 8 હીરા ઓછા હોવાથી અજયની પૂછપરછ કરતા છેલ્લા છ મહિનાથી પોતાની પાસે જે સ્ટોક આવે તેમાંથી કેટલાક હીરી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. ઉપરાંત ચોરીના હીરા કાળુ નામના વ્યક્તિને વેચાણ કરતો હોવાની અને કેટલાક હીરા ઘરે છે તે પરત આપવાનું કહીને ઘરે ગયા બાદ અજય ફોન બંધ કરી રફુચક્કર થઇ ગયો હતો. જેથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા છ મહિનામાં સમયાંતરે 1703.60 કેરેટના અંદાજે 100 જેટલા હીરા કિંમત રૂ. 49.48 લાખની મત્તાના ચોરી કર્યાનું જણાયું હતું.