અમરોલી-છાપરાભાઠા રોડની ઘટના: પરસ્ત્રીના સંબંધમાં પત્નીને મોતને ઘાત ઉતારી અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ

Updated: Mar 4th, 2024


Google NewsGoogle News
અમરોલી-છાપરાભાઠા રોડની ઘટના: પરસ્ત્રીના સંબંધમાં પત્નીને મોતને ઘાત ઉતારી અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ 1 - image



- લગ્નજીવન અંતર્ગત 4 વર્ષનો પુત્ર પરંતુ અણબનાવ હોવાથી ત્રણ વર્ષથી પત્ની પુત્ર સાથે સાસરે રહેતી હતીઃ પતિ કામના બહાને બહાર રહેતો હતો, ત્રણ દિવસ અગાઉ જ સાથે રહેવા લઇ આવી બોથર્ડ પદાર્થ માથામાં મારી મોતને ઘાત ઉતારી
- બાથરૂમમાં પડી જતા ઇજા થઇ હોવાનું રટણ કર્યુ પરંતુ મૃતકના પિતાના આક્ષેપને પગલે સમગ્ર હક્કીત બહાર આવી


સુરત


અમરોલી-છાપરાભાઠા રોડની અરિહંત પાર્ક સોસાયટીમાં પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતા કેક શોપના માલિકે પત્નીને માથા, ગળા અને હાથમાં બોથર્ડ પદાર્થ વડે ઇજા પહોંચાડી હત્યા કર્યા બાદ બાથરૂમમાં પડી જતા માથામાં ઇજા થઇ હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ મૃતકના પિતાના આક્ષેપને પગલે ફોરેન્સિક પીએમ કરાવતા હત્યાને અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ કરનાર હત્યારા પતિનો ભાંડો ફૂટી ગયો હતો.

અમરોલી-છાપરાભાઠા રોડની ઘટના: પરસ્ત્રીના સંબંધમાં પત્નીને મોતને ઘાત ઉતારી અકસ્માત મોતમાં ખપાવવાનો પ્રયાસ 2 - image
અમરોલી-છાપરાભાઠા રોડ સ્થિત અરિહંત પાર્ક સોસાયટીમાં રહેતો અને કેક શોપ ધરાવતો ઘનશ્યામ પન્નાલાલ કુમાવત (ઉ.વ. 29 મૂળ રહે. ચીલેશ્વર, તા. કરડા. ભીલવાડા, રાજસ્થાન) ગત સવારે 11 વાગ્યાના અરસામાં ખાનગી હોસ્પિટલમાં પત્ની માયા (ઉ.વ. 29) ને માથામાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લઇ ગયો હતો. જયાં ડોક્ટર સમક્ષ ઘનશ્યામે જણાવ્યું હતું કે ઘરના બાથરૂમમાં પગ લપસી જતા માથાના ભાગે ઇજા થઇ છે. જો કે પ્રાથમિક તપાસમાં જ ડોક્ટરે માયાને મૃત જાહેર કરી હતી અને ઘટનાની જાણ અમરોલી પોલીસને કરી હતી. જેને પગલે અમરોલી પોલીસ તુરંત જ ઘસી ગઇ હતી. શરૂઆતમાં પોલીસ સમક્ષ પણ ઘનશ્યામે પત્ની માયા બાથરૂમમાં પડી ગઇ હોવાનું રટણ કર્યુ હતું. જો કે માયાના મૃત્યુની જાણ થતા તેના પિતા મોતીરામ તુલછારામ કુમાવત (ઉ.વ. 60 રહે. ચાવડીયા, તા. કરેડા, ભીલવાડા, રાજસ્થાન) તેમના સહપરિવાર સાથે સુરત દોડી આવ્યા હતા. મોતીરામે પોલીસને જણાવ્યું હતું કે માયા અને ઘનશ્યામના વર્ષ 2103 માં લગ્ન થયા હતા અને 4 વર્ષનો પુત્ર છે. પરંતુ છેલ્લા ત્રણેક વર્ષથી માયા અને ઘનશ્યામ વચ્ચે અણબનાવ હોવાથી માયા તેના પુત્ર સાથે સાસરીમાં રહે છે. જયારે પરસ્ત્રી સાથે સંબંધ ધરાવતો ઘનશ્યામ કામધંધાના બહાને બહાર રહે છે. પરંતુ ગત 1 માર્ચના રોજ પારિવારીક વાતચીત કર્યા બાદ ઘનશ્યામ માયાને અરિહંત પાર્ક સોસાયટીમાં રહેવા લઇ ગયો હતો. જેથી પોલીસ પણ ચોંકી ગઇ હતી અને માયાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યું હતું જેમાં માથા, ગળા અને બંને હાથમાં બોથર્ડ પદાર્થના ઇજાના નિશાન અને માથામાં ગંભીર ઇજા થતા મોત થયાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ઘનશ્યામ વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.


Google NewsGoogle News