મોબાઈલના વળગણને કારણે આંખના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક વધારો
- બાળકોને મોબાઈલથી નિશ્ચિત સમય બાદ દૂર રાખવાની તાતી આવશ્યકતા
- મોબાઈલના કારણે નાની વયના ભુલકાઓમાં ચશ્માનું પ્રમાણ વધ્યું : હોસ્પિ.માં આંખના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો
ભાવનગર શહેર અને જિલ્લાભરમાં નાની વયના બાળકોથી લઈને શાળા, કોલેજના છાત્રો, ગૃહિણીઓમાં મોબાઈલ થકી સોશિયલ મીડિયાનું આકર્ષણ દિન પ્રતિદિન વધી રહ્યું છે તેના આંખના દર્દીઓ પણ એટલીં જ વધી રહ્યા છે. ભાવનગર શહેરની સર તખ્તસિંહજી જનરલ હોસ્પિટલ ઉપરાંત સ્થાનિક વિવિધ વિસ્તારોમાં આવેલ ટ્રસ્ટ તેમજ ખાનગી હોસ્પિટલોમાં આંખના દર્દીઓની સંખ્યામાં દિન પ્રતિદિન ચિંતાજનક પ્રમાણમાં વધારો નોંધાઈ રહ્યો છે. નિષ્ણાંત તબીબોના અભિપ્રાય મુજબ મોબાઇલના કારણે આંખોને ખૂબ નુકસાન થતું હોય છે. લોકોએ મોબાઈલના ઓન સ્ક્રીન કેટલો સમય રહેવું તેની મર્યાદા નક્કી કરી લેવી જોઈએ અને ખાસ કરીને બાળકોને નિશ્ચિત સમય પછી મોબાઈલથી દૂર રાખવા જરૂરી છે. શૈક્ષણિક સંસ્થાઓમાં બાલમંદિરથી જ ચશ્માધારી ભૂલકાઓની સંખ્યા વધી રહી હોય તે વાલીઓમાં ચિતાજનક બાબત ગણી શકાય તેમ છે.ત્યારે, બાળકોને મોબાઈલથી દૂર રાખી તેમને ઈન્ડોર તથા આઉટડોર ગેમ્સ તકફ વાળવા જોઈએ તેમ પણ તબીબોએ જણાવ્યું છે.
મોતિયો મોટી ઉંમરે જ આવે તે માન્યતા ખોટી છે...
સામાન્ય રીતે મોતીયો એટલે મોટી ઉંમરે થતી આંખની બિમારી એ માન્યતા પણ હવે ખોટી સાબીત થઈ રહી છે. મોબાઈલના યુગમાં હવે તો મોતીયો નાના બાળકોને પણ આવી શકે છે અને તેની સર્જરી પણ નાજુક હોય છે. સદનશીબે આધુનિક સાધનો, તબીબી જ્ઞાાન તેમજ અદ્યતન હોસ્પિટલની સુવિધાના કારણે આવા ઓપરેશન પણ થઈ શકે છે. શહેરની એક ખાનગી હોસ્પિટલના નિષ્ણાંત તબીબ દ્વારા તાજેતરમાં ઉમરાળામાં રહેતા એક શ્રમજીવી પરિવારની માત્ર સાત વર્ષની દિવ્યાંગ દિકરીનું મોતીયાનું ઓપરેશન સફળતાપુર્વક કરવામાં આવ્યુ હતુ.