વરણામાની જમીન NA કરવા ખોટું સોગંદનામું રજૂ કરનાર સામે ગુનો
જે.પી.રોડના શીલ બંગ્લોઝમાં રહેતા માતા, પુત્ર અને ચાર સંતાનો સામે એનસી ફરિયાદ
વડોદરા, તા.4 વરણામાની ખેતીની જમીન બિનખેતી કરવા માટે ખોટું સોગંદનામું કલેક્ટર કચેરીમાં રજૂ કરનાર છ વ્યક્તિઓ સામે સરકારી પક્ષ દ્વારા ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે પોપટભાઇ પટેલના વારસદારોની વરણામા ખાતે ચાર સર્વે નંબરોવાળી જમીનો આવેલી છે. આ જમીનો અંગે પોપટભાઇ પટેલના પુત્ર અમિત (રહે.વેદાંત બંગ્લોઝ, કલાલીરોડ, વડોદરા) દ્વારા તેમના સંબંધીઓ સામે સિવિલ કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સ્યૂટ તા.૯ ઓક્ટોબર ૨૦૨૦ના રોજ કરવામાં આવેલ અને તેનો દાવો હાલ ચાલું છે.
દરમિયાન વરણામાની ચાર સર્વે નંબરોવાળી જમીનો પૈકી કેટલીક જમીનો માટે બિનખેતી માટે કલેક્ટર કચેરીમાં અરજી કરવામાં આવી હતી અને તેના આધારે ચારેય સર્વે નંબરોની કેટલીક જમીનો બિનખેતીમાં તબદિલ કરી દેવામાં આવી હતી. મહત્વની બાબત એ છે કે ઉપરોક્ત જમીનો અંગે સિવિલ કોર્ટમાં દાવો ચાલતો હોવા છતાં બિનખેતી સમયે અરજદારો દ્વારા કલેક્ટર કચેરીમાં ચાર સોંગદનામા રજૂ કરાયા હતા જેમાં જણાવેલ કે સિવિલ કોર્ટ, હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટ અથવા મહેસૂલ પંચમાં કોઇ કેસ નોંધાયો નથી.
ખોટી વિગતો અંગેના સોગંદનામા અંગેની જાણ અમિત પટેલને થતાં તેમણે કલેક્ટર કચેરીનું ધ્યાન દોર્યું હતું જેના પગલે કલેક્ટર દ્વારા ગ્રામ્ય એસડીએમને આ અંગે કાયદેસરના પગલાં લેવા જણાવાયું હતું. બાદમાં ગ્રામ્ય એસડીએમના શિરસ્તેદાર ધર્મેન્દ્ર મનુભાઇ પઢિયારે જમીન બિનખેતી કરવા માટે ખોટું સોંગદનામું રજૂ કરનાર મીનાક્ષીબેન પોપટભાઇ પટેલ, જીજ્ઞાાસુ પોપટભાઇ પટેલ, પ્રિતી જીજ્ઞાાસુભાઇ પટેલ, પાર્થ જીજ્ઞાાસુભાઇ પટેલ, પ્રેરક જીજ્ઞાાસુભાઇ પટેલ, પ્રીત જીજ્ઞાાસુભાઇ પટેલ (તમામ રહે.શીલ બંગ્લોઝ, જે.પી.રોડ) સામે ૧૯૨,૧૯૫,૧૯૬,૧૯૭,૧૯૮ મુજબ એનસી ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.