ભાણવડના રૂપામોરા ગામે 11 વર્ષીય બાળકીને કૂતરાંએ ફાડી ખાતાં મોત
ખૂંખાર કૂતરાં અન્ય કોઇનો જીવ લે તે પહેલાં પકડી લેવા માંગ : બાળકી ખેતરમાં પાણીની મોટર ચાલુ કરવા જતા ધોરીયામાં બેઠેલા 4-5 કૂતરાએ હુમલો કરી બટકાં ભરતા મોત
ખંભાળિયા, : ભાણવડ નજીક આવેલા રૂપામોરા ગામ ખાતેની એક વાડી વિસ્તારમાં રહેતા પરિવારની 11 વર્ષની માસુમ પુત્રીને કુતરાંઓએ હુમલો કરી અને બટકાં ભરી ઈજાઓ પહોંચાડતા લોહી-લુહાણ હાલતમાં આ બાળાનું મૃત્યુ નિપજતા સમગ્ર ભાણવડ પંથકમાં ભારે અરેરાટી પ્રસરી જવા પામી છે.
ભાણવડ તાલુકાના રૂપામોરા ગામ નજીક રહેતા હીરાભાઈ પીપરોતર નામના એક યુવાન તેમના ખેતરમાં કામ કરી રહ્યા હતા, ત્યારે તેમની 11 વર્ષની પુત્રી પુરી પાણીની મોટર ચાલુ કરવા માટે ગઈ હતી. અહીં ધોરીયામાં બેઠેલા ચાર-પાંચ જેટલા કુતરાઓએ પુરી ઉપર હુમલો કરી દેતા આ બાળા કાંઈ સમજે તે પહેલા ખૂંખાર કૂતરાઓ તેણીના ગળા, પેટ તેમજ પગમાં બચકા ભરવા લાગતા નજીક રહેલા તેણીના પરિવારજનો દોડી આવ્યા હતા.
અહીં ગંભીર રીતે લોહી લુહાણ હાલતમાં રહેલી બાળકીને તાકીદે ભાણવડની સરકારી હોસ્પિટલે લઈ જવામાં આવી હતી. પરંતુ વધુ લોહી વહી જવાના કારણે રસ્તામાં જ તેણીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.
પાંચમા ધોરણમાં અભ્યાસ કરતી મૃતક પુરીબેન પીપરોતરના પિતા હીરાભાઈને સંતાનમાં છ પુત્રી અને એક પુત્ર છે. સવારે વાડીએથી શાળાએ જતા આ વિસ્તારમાં કુતરાઓનો વ્યાપક ત્રાસ હોવાથી અનેક વાલીઓ ચિંતિત છે. ત્યારે ખૂંખાર કુતરાઓની ગેંગ હજુ અન્ય કોઈનો જીવ લ્યે તે પહેલા તમામને પકડી લેવા અથવા અન્ય જગ્યાએ મૂકી દેવા માટેની માંગ ગ્રામજનોમાં ઉઠવા પામી છે.