લગ્નની સિઝનમાં ચોર ટોળકી સક્રિય: ગેંગનો એક સભ્ય પકડાતા ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો
Amreli Police Caught Thief : ગુજરાતમાં લગ્નની સિઝન દરમિયાન કેટલીક ચોર ટોળકીઓ સક્રિય થઈ જાય છે. અનેક જિલ્લામાં લગ્ન પ્રસંગ દરમિયાન ચોરીની ઘટનાઓ બની છે. આવી જ એક ચોર ટોળકીનો સભ્ય અમરેલી પોલીસે ઝડપી પાડ્યો છે. જેની પૂછપરછમાં રાજ્યના ત્રણ જિલ્લામાં લગ્ન પ્રસંગે થયેલી વિવિધ ચોરીનો ભેદ ઉકેલાયો છે. અમરેલી પોલીસે ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર વિકાસ સાચીને 14 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે, અને અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં થયેલી ચોરીના બનાવનો ભેદ ઉકેલ્યો છે.
લગ્ન પ્રસંગ દરમિયાન ચોર ટોળકી સક્રિય
અમરેલીના ભોજલપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ હરિભાઈ રેણુકાની દીકરીના ગત 25 નવેમ્બરના રોજ ગણેશ પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગ હતો. માતાએ પોતાની દીકરીના કન્યાદાન માટે સોનાનો સેટ, બુટ્ટી અને આશરે ત્રણ તોલાની ચેઈન સહિતના કુલ 2.63 લાખ રૂપિયાની કિંમતના ઘરેણા એક થેલામાં રાખ્યાં હતા. આ દરમિયાન અજાણ્યો શખસ આવીને ઘરેણા ભરેલો થેલો ચોરીને ભાગી ગયો હતો. ઘરેણા ચોરી થયાની પરિવારને જાણ થતાં સમગ્ર મામલે અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી, જૂનાગઢ અને આણંદ જિલ્લામાં ચોરી કરતી ગેંગનો આરોપી ઝડપાયો
સમગ્ર ઘટના મામલે ચોરીનો ભેદ ઉકેલવા માટે અમરેલી પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને આરોપીને ઝડપી પાડવા માટે તપાસ આદરી હતી. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજ અને એક્ઝિટ પોઈન્ટની તપાસ કરતાં એક શખસ શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો અને તેની ચકાસણી કરવામાં આવી હતી. કડકાઈથી તપાસ કરતા તેની પાસેથી સોનાના દાગીના મળ્યા હતા. વિકાસ સાચી નામનો આરોપી મૂળ મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો છે. તેની વધુ પૂછપરછ કરતા તેણે અમરેલી, જૂનાગઢ સહિતના જિલ્લામાં ચોરીના બનાવની કબૂલાત કરી હતી.
આ પણ વાંચો: જમ બન્યો જમાઈ: ઠંડા કલેજે સાસુની હત્યા કરી, અંતિમવિધિમાં પણ જોડાયો
અમરેલી જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, અમરેલી પોલીસે ત્રણેય જિલ્લામાં ચોરીના મુખ્ય સૂત્રધાર આરોપી વિકાસ પાસેથી સોના-ચાંદીના ઘરેણા સહિત કુલ 14.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તે અન્ય કયા અને કેટલાં ગુનામાં સંડોવાયેલો છે. અને તેની ગેંગમાં કેટલા સભ્યો છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે.