Get The App

યુવતીનાં સરઘસના વિરોધમાં અમરેલી અંશતઃ બંધ, સોમવારે સુરતમાં ધરણાં

Updated: Jan 11th, 2025


Google NewsGoogle News
યુવતીનાં સરઘસના વિરોધમાં અમરેલી અંશતઃ બંધ, સોમવારે સુરતમાં ધરણાં 1 - image


ચકચારી ઘટનામાં અમરેલીના પરસોતમ રૃપાલાનું મૌન

કોઈ પણ પરિવારની યુવતીને પોલીસ રાત્રે પકડીને સરઘસ નહીં કાઢે તેવી સરકારની ખાત્રી પણ આવી નહીં, કોંગ્રેસ આંદોલન જારી રાખશે

રાજકોટ :  ગુજરાત વિધાનસભાના નાયબ દંડક અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરીયા વિરુધ્ધ ગંભીર આક્ષેપો કરતા ચકચારી લેટર કાંડમાં આજે અમરેલી અંશતઃ બંધ રહ્યું હતું જ્યારે ૪૮ કલાકના ઉપવાસ બાદ આજે પરેશ ધાનાણીએ પારણાં કર્યા હતા અને જણાવ્યું કે કોઈ પણ સમાજની યુવતીની પોલીસે આ રીતે રાત્રે ધરપકડ ન કરાય, સરઘસ ન કઢાય, મારકૂટ કરીને અપમાનિત ન કરાય તેનું ભાન થાય, જાગૃતિ આવે તે માટે આ આંદોલન ઉપાડયું છે, સરકાર તો જાગી નથી, જનતા જાગી છે અને સોમવારે આ મુદ્દે સુરતમાં ધરણાં યોજાશે.

કોંગ્રેસના સૂત્રોએ આ મુદ્દે મકરસંક્રાંત પછી રાજ્યવ્યાપી આંદોલનની તૈયારીઓ પણ કરી છે ત્યારે બીજી તરફ ભાજપના ધારાસભ્ય વિરુધ્ધ ભાજપના જ નેતાનો બનાવટી પત્ર અને તેમાં ભાજપના નેતાની ધરપકડથી અમરેલીનું રાજકારણ કે જ્યાં ચૂંટણી ટાણે મોટાપાયે પક્ષપલ્ટો કરાવાયો હતો તેમાં ડહોળાયું છે અને તેની આગામી ચૂંટણીમાં અસર પડવાની સંભાવના જોવાઈ રહી છે.

આશ્ચર્યજનક રીતે લેટરકાંડમાં જેનો દેખીતો રોલ નથી તેવી ટાઈપીસ્ટ કામ કરતી પાટીદાર યુવતીની રાત્રે ધરપકડ કરવી ,સરઘસ કાઢવું જેવી બાબતો અને ખુદ યુવતીએ લેખિતમાં તેમજ મૌખિકમાં કેમેરા સમક્ષ પણ આ અંગે ફરિયાદ કરી છે છતાં જવાબદાર પોલીસ સામે હજુ સુધી કોઈ પગલા લેવાયા નથી. તેમજ આ ઘટના અનુસંધાને ગુજરાતની કોઈ પણ દિકરીની આ રીતે પોલીસ ધરપકડ નહીં કરી શકે, સરઘસ નહીં કાઢી શકે તેવી સરકાર તરફથી કોઈ કડક સૂચના કે ખાત્રી જારી કરાઈ નથી.

રાજકોટમાં સાંસદ પરસોતમ રૃપાલા અમરેલીના છે અને દાયકાઓથી તેઓ અમરેલીના રાજકારણમાં સક્રિય રહ્યા છે અને ગુજરાતના અને કેન્દ્રના પૂર્વ મંત્રી રહ્યા છે પરંતુ, તેમણે આ અંગે બનાવને વખોડવા બાબતે મૌન રહેવાનું પસંદ કરતા પણ ચર્ચા જાગી છે. તો યુવતી સામે ફરિયાદ પાછી ખેંચાવવા દોડી જનારા નેતાઓ બાદમાં આ અંગે જવાબદારો સામે પગલા લેવા મુદ્દે કોઈ રજૂઆત કરવાનું ટાળ્યું છે.


Google NewsGoogle News