ગુજરાતમાં ભાજપમાં ભડકો, નારણ કાછડિયાએ કહ્યું- ‘સરખું બોલતાય નથી આવડતું, તેને ટિકિટ આપી દીધી...’
Lok Sabha Elections 2024: ગુજરાતમાં લોકસભાના મતદાન પૂરું થયા બાદ હવે ભાજપમાં આંતરિક ભડકો જાહેર થયો છે. ભાજપના દિગ્ગજ નેતા ગણાતા નારણ કાછડિયાએ પક્ષના જ કાર્યક્રમમાં બળાપો વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, 'જે સરખું બોલી ન શકે, ગુજરાતીમાં ઈન્ટરવ્યૂ ન આપી શકે, તેવાને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, અમરેલીના સાંસદ રહી ચૂકેલા નારણ કાછડિયાના બદલે આ વખતે અમરેલી બેઠકથી ભરત સુતરિયાને ઉતારવામાં આવ્યા છે.
નારણ કાછડિયાએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી
સાવરકુંડલામાં એક કાર્યક્રમમાં ભાજપ સામે નારાજગી વ્યક્ત કરતા નારણ કાછડિયાએ કહ્યું કે, 'જે સરખું થેન્ક યુ બોલી ન શકે તેવાને ટિકિટ આપી છે. અમરેલી જિલ્લાના તમામ કાર્યકર્તાઓ માટે હજી પણ હું તમારી માટે ગમે ત્યારે રાત્રે પણ ફોન કરજો હું તમારી માટે દોડતો આવીશ. હું તમારી સાથે કાયમી જોડાયેલો છું અને રહેવાનો છું. તમારે કોઇપણ પ્રકારનું કામ હશે તો રાત્રે બે વાગે પણ તમારું કામ થશે. મને કહેવામાં દુઃખ થાય છે પણ ના છૂટકે કહેવું પડે છે. કોઇપણ કાર્યકર્તાને ભાજપનો કાર્યકર્તા ઊભો કરતા-કરતા 10 વર્ષ લાગે છે. એ કાર્યકર્તાને તોડવામાં ખાલી 5 મિનિટ લાગે.'
પેરાશૂટ ઉમેદવારો પર ભડક્યા નારણ કાછડિયા
તેમણે ખાસ કરીને પેરાશૂટ ઉમેદવારો પર નિશાન તાકતા ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. નારણ કાછડિયાએ કહ્યું કે, 'કોંગ્રેસ અને આપમાંથી નેતાઓ ભાજપમાં સવારે આવે છે અને બપોરે તેમને ટિકિટ મળી જાય છે. ભાજપે પોતાના સંનિષ્ઠ કાર્યકરોની કદર કરવાની જરૂર છે.' વધુમાં કહ્યું કે, 'આ ચૂંટણીમાં ખાલી અમરેલી લોકસભાની અંદર દોઢ લાખ મત ઓછા પડ્યા છે. તેનું કારણ છે મતદારોની નિરસ્તા, કાર્યકર્તાઓની ઉદાસિનતા. એ ઉદાસિનતા અને નિરસ્તા એટલા માટે છે કે, આજે તમે જે કંઇ કરી રહ્યા છો તેનાથી કાર્યકર્તાને નારાજગી છે. 2019માં આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત,નગરપાલિકા કે કોઇ ધારાસભ્ય આપણો ન હતો છતાં 2 લાખ કરતા વધુ મતથી જીત્યા હતા.'
અમરેલી બેઠક પર ભાજપમાં અસંતોષ રહ્યો છે
ઉલ્લેખનીય છે, અમરેલી બેઠક પર જ્યારે ભરત સુતરિયાનું નામ જાહેર થતા જ ભાજપમાં અસંતોષ સામે આવ્યો હતો. અમરેલીમાં ઠેરઠેર ઉમેદવાર બદલવાની માગ સાથે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અમરેલી દોડાવવામાં આવ્યા હતા અને ડેમેજ કંટ્રોલની કવાયત હાથ ધરી હતી.