'પાટીદાર શ્રેષ્ઠીઓ સમાજના આગેવાન હશે કે સરકારી એજન્ટ?' અમરેલી લેડરકાંડ મુદ્દે ધાનાણીના પ્રહાર
Amreli News : અમરેલીમાં લેટરકાંડનો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સમગ્ર ઘટનામાં પોલીસે પાટીદાર સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢ્યું હોવાથી મામલો વકર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયું. સમગ્ર મામલે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રતાપ દુધાતે 31 ડિસેમ્બર, 2024ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ખોડલધામના નરેશ પટેલને પત્ર લખ્યો હતો. જ્યારે હવે આ ઘટનામાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને આકરા પ્રહાર કર્યા હતા. બીજી તરફ, યુવતીને જેલમાંથી મુક્ત કરાવવા ખોડલધામ સમિતિ સક્રિય થઈ અને પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી.
પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકાળતા મામલો ગરમાયો
અમરેલીમાં લેટરકાંડમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે ભાજપના પૂર્વ હોદેદાર અને એક મહિલા સહિત 4 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. આ પછી પોલીસે કથિત લેટરકાંડમાં પાટીદાર સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. સમગ્ર મામલે સ્થાનિક રાજકારણમાં ગરમાયું છે, ત્યારે પાટીદાર સમાજની દિકરીને જેલ મુક્ત કરાવવા માટે ખોડલધામ સમિતિ સહિતના પાટીદાર સમાજના અગ્રણીઓ અમરેલી પહોંચ્યા હતા. અમરેલીમાં ખોડલધામ અને અમરેલીના રાજકીય આગેવાનો વચ્ચે બંધ બારણે યોજાયેલી બેઠકમાં મનોજ પનારા, દિનેશ બાંભણીયા, ધારાસભ્ય કૌશિક વેકરિયા, રમેશ ટીલાળા, ધારાસભ્ય મહેશ કસવાલા, સાંસદ સુતરીયા, સહિતના અગ્રણીઓ એકઠા થયા હતા. જ્યારે સમગ્ર વિવાદ વચ્ચે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીની પણ એન્ટ્રી થઈ છે.
પરેશ ધાનાણીએ શું કહ્યું?
લેટરકાંડ અને પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકાળવા મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'લાજ લેનારા સામે લડીશુ... કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો 'જાહેરમાં વરઘોડો' કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે..! શકુનીઓને સજા આપો..., કાયદાની રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જશે, પણ એક અબળાની ભરબજારે લુંટાયેલી આબરુનું શું થશે? સળગતો સવાલ... સરદારના નામે સરકાર બનાવનારા શિખંડીઓની જમાતે માત્ર પોતાના રાજકીય અહંમને સંતોષવા એક નિર્દોષ અબળાની ભરબજારે આબરુ કાઢી છતાંય સામાજીક શ્રેષ્ઠીઓની હજુય અકળ.... મૌનથી સમાજને શંકા થાય છે કે, એ બધા સમાજના આગેવાનો હશે કે પછી માત્ર સરકારી એજન્ટ?
પાટીદાર સમાજની અવિવાહિત દિકરીના જામીન મંજૂર થાય તેને લઈને ધારાસભ્ય મહેશ કસવાલાનું કહ્યું કે, 'પાટીદાર સમાજની દીકરીને જલ્દી જામીન મળે તેની પ્રક્રિયા તેજ કરાઈ છે. જ્યારે દીકરી માત્ર ટાઈપ રાઈટર તરીકે નોકરી કરતી હોવાથી ફરિયાદમાંથી તેનું નામ દૂર કરવાની કામગીરી કરાશે.' અગ્રણી દિનેશ બાંભણીયાએ કહ્યું કે, 'અમરેલીમાં મળેલી બેઠકમાં દિકરીને જેલ મુક્ત કરવાની ચર્ચા થઈ અને સફળ રહી.'
આ પણ વાંચો: અમરેલીમાં ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું, ભાજપના પૂર્વ પ્રમુખ-કાર્યકરો સહિત 4ની ધરપકડ
અમરેલીમાં લેટરકાંડ મામલે પાટીદાર અગ્રણીઓની બેઠક મળી હતી. બીજી તરફ, લેટરકાંડમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવાને લઈને આંતરાષ્ટ્રીય કૃમિ સેનાએ સરઘસ નીકાળનારા પોલીસ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ સાથે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી.
શું છે સમગ્ર મામલો?
પોલીસની માહિતી મુજબ, અમરેલીમાં ભાજપના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે કેટલાક શખસોએ બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું ઘડવાયું હતું. આ મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાને ઝડપી પાડ્યા હતા.