Get The App

પાટીદાર યુવતી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપના જ પૂર્વ સાંસદ મેદાનમાં, મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને જાણો શું કરી અપીલ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
પાટીદાર યુવતી માટે કોંગ્રેસ બાદ હવે ભાજપના જ પૂર્વ સાંસદ મેદાનમાં, મુખ્યમંત્રી અને ગૃહ મંત્રીને જાણો શું કરી અપીલ 1 - image


Amreli Letter Scandal: અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. કોંગ્રેસ અને આપ નેતા બાદ હવે ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા પણ પાયલ ગોટીના ન્યાય અપાવવાની માંગ સાથે મેદાનમાં આવ્યા છે. નારણ કાછડિયાએ વીડિયો બનાવી આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ કહ્યું કે, આવી ઘટનાથી માથું શરમથી ઝૂકી જાય છે. આ સાથે તેઓએ અમરેલી પોલીસ પર પણ ગંભીર આરોપો લગાવતા કહ્યું કે, કોઈને સારા થવા માટે અમરેલી પોલીસ દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું છે. 

માથું શરમથી ઝૂકી ગયું

નારણ કાછડિયાએ કહ્યું કે, અમરેલીમાં જે ઘટના બની તે ખૂબ જ નિંદનીય છે અને હું તેને કડક શબ્દોમાં વખોડી તેનો વિરોધ કરૂ છું. ગમે તેવા પડકાર હોવા છતાં કોઈપણ સમાજની કોઈપણ દીકરી સાથે આવી ઘટના બને તો દરેક સમાજનું શરમથી માથું ઝૂકી જાય છે.

આ પણ વાંચોઃ 'જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો જાહેરમાં ચર્ચા કરે', પરેશ ધાનાણીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

અમરેલી પોલીસ પર કર્યા ગંભીર આક્ષેપ

આ સિવાય અમરેલી પોલીસ પર ગંભીર આરોપ મૂકતા નારણ કાછડિયાએ વધુમાં ઉમેર્યું કે, અમરેલી પોલીસે જે કોઈના ઈશારે આ કૃત્ય કર્યું છે તેને વખોડવા માટે મારી પાસે શબ્દ પણ નથી. એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢી અમરેલી પોલીસે સમગ્ર ગુજરાત પોલીસનું માથું શરમથી ઝૂકાવી દીધું છે. આ કૃત્ય માફ કરવાના પણ લાયક નથી. પોલીસે કોઈના ઈશારે દીકરીનું સરઘસ કાઢી ફક્ત પટેલ જ નહીં પરંતુ, તમામ સમાજ અને આખાય ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય કર્યું છે. સંપૂર્ણ રીતે દેખાય આવે છે કે, પોલીસે કોઈને સારા થવા માટે આ કામ કર્યું છે. ખરેખર આવું કરવા પાછળ કોનો ઈશારો હતો? કોના કહેવાથી કર્યું? શા માટે કર્યું છે? તેની તપાસ થવી જોઈએ. કોઈપણ ગુનેગાર હોય, તે ભલે અધિકારી હોય કે પદાધિકારી હોય તેને સજા થવી જ જોઈએ. તો જ આ દીકરીને ન્યાય મળ્યો કહેવાય.

મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને કરી અપીલ

છેલ્લાં 30 વર્ષમાં ક્યારેય ન બની હોય એવી ઘટના અમરેલીમાં બની છે. જેનાથી પાર્ટીને નુકસાન તો થયું જ છે. પરંતુ, પાર્ટીના તમામ નેતાનું માથું પણ શરમથી ઝૂકી ગયું છે. હું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સી.આર પાટીલને અપીલ કરૂ છું કે, આ મામલે ખરેખર તપાસ થવી જોઈએ અને દૂધનું દૂધ તેમજ પાણીનું પાણી થવું જોઈએ. 

આ પણ વાંચોઃ સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો'

વિપક્ષ પણ મેદાને

નોંધનીય છે કે, આ પહેલાં કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ 24 કલાકનું એલ્ટિમેટમ આપી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારીને ડીસમીસ કરવાની માંગ કરી હતી. આ સિવાય આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાએ પણ જનસભા યોજી હતી અને અમરેલીની ઘટનામાં દીકરીને ન્યાય ન અપાવી શક્યા એ બદલ માફી માંગી હતી. તેમજ ગુજરાતના લોકોનો આત્મા જગાડવા માટે સ્ટેજ પરથી પોતાને પટ્ટા માર્યા હતા. 



Google NewsGoogle News