Get The App

અમરેલી લેટરકાંડ: પીડિત પાટીદાર દીકરીને સહકારી બૅન્કમાં નોકરીની ઑફર, AJMS બૅન્કનો નિર્ણય

Updated: Jan 3rd, 2025


Google NewsGoogle News
અમરેલી લેટરકાંડ: પીડિત પાટીદાર દીકરીને સહકારી બૅન્કમાં નોકરીની ઑફર, AJMS બૅન્કનો નિર્ણય 1 - image


Amreli Letter Scandal: અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું હતું. ત્યારથી આ વિવાદ વકર્યો હતો. ગુજરાતના પાટીદારોએ આ વાતનો વિરોધ નોંધાવી પાયલને ન્યાય આપવાની માંગ કરી હતી. શુક્રવારે સેસન્સ કોર્ટ દ્વારા પાયલને 15 હજારના બૉન્ડ પર જામીન પણ આપી દીધા છે. આ સિવાય અમરેલીની મધ્યસ્થ સહકારી બૅન્ક તરફથી પાયલને કાયમી નોકરીની પણ ઑફર આપવામાં આવી છે. 

બૅન્કમાં મળશે કાયમી નોકરી

પાયલને જામીન મળ્યા બાદ અમરેલી જિલ્લા મધ્યસ્થ સરકારી બૅન્કના આગેવાન દિલીપ સંઘાણીએ મહત્ત્વનો નિર્ણય લીધો છે. સહકારી બૅન્કના ચેરમેન દિલીપ સંઘાણીએ શુક્રવારે(3 જાન્યુઆરી) યોજાયેલી બોર્ડ મિટિંગમાં પાયલને બૅન્કમાં નોકરી આપવાનો નિર્ણય લીધો છે. મિટિંગમાં જેલમુક્તિ બાદ પીડિત દીકરી ઇચ્છે તો અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કમાં કાયમી નોકરી આપવા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. ચેરમેન સંઘાણી દ્વારા પણ આ ઠરાવને વધાવવામાં આવ્યો અને પીડિતા ફરી સન્માન પૂર્વક જીવન જીવી શકે તે માટે તેને આત્મ નિર્ભર બનાવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

આ પણ વાંચોઃ અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીના જામીન મંજૂર, આરોપ મુક્ત કરવાની અરજી પર કાલે સુનાવણી

દિલીપ સંઘાણીએ આપ્યું હતું વચન

નોંધનીય છે કે, આ પહેલાં ઇફ્કોના ચેરમેન અને ભાજપના કદાવર નેતા દિલીપ સંઘાણીએ જેલમાં બંધ પાટીદાર દીકરી સાથે મુલાકાત પણ કરી હતી. ત્યારબાદ આગેવાનોએ આ પાટીદાર સમાજની અવિવાહિત દીકરીને કાયમી આજીવિકા આપવા માટે રજૂઆત કરી હતી. દિલીપ સંઘાણીએ સમાજના મોભી તરીકે પીડિતાને કાયમી નોકરી આપવાનું વચન આપ્યું હતું, જે તેને જામીન મળતાંની સાથે જ પૂરું કરવામાં આવ્યું.

આ પણ વાંચોઃ અમરેલી લેટરકાંડ: પટેલ સમાજની દીકરીનું સરઘસ કઢવા મુદ્દે ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસ આમને-સામને

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરીયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરીયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારા ભાજપના પૂર્વ હોદ્દેદાર સહિત 4 કાર્યકરોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી. 



Google NewsGoogle News