અમરેલી લેટરકાંડ મામલે મોટા સમાચાર: ફરજમાં બેદરકારી બદલ ત્રણ પોલીસ કર્મચારી સસ્પેન્ડ, SPએ કરી કાર્યવાહી
Amreli letter controversy : અમરેલી લેટરકાંડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ફરજમાં બેદરકારી બદલ લોકલ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં કિશન આસોદરીયા, વરજાંગ મૂળયાસીયા અને મહિલા પોલીસ કર્મી હિનાબેન મેવાડાને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી અમરેલી જિલ્લા પોલીસ વડા (SP) સંજય ખરાતેએ કરી છે.
ગુજરાતના અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પોલીસે ભાજપના પૂર્વ હોદ્દેદાર અને એક યુવતી સહિત 4 કાર્યકરોની ધરપકડ કરી હતી. પરંતુ વિવાદ ત્યારે વકર્યો જ્યારે પોલીસે કથિત લેટરકાંડમાં ધરપકડ કરાયેલી અને ટાઇપિસ્ટનું કામ કરતી પાટીદારની યુવતીનું સરઘસ કાઢ્યું. જેમાં રાજ્યના નેતાઓથી લઈને પાટીદાર સમાજના અગ્રણીઓએ પાયલ ગોટીના સમર્થનમાં આવી ધરણાથી માંડી વિરોધ પ્રદર્શન દ્વારા ન્યાયની માગ કરી હતી.
પાયલ ગોટીના આક્ષેપો બાદ SITની કરાઈ હતી રચના
અમરેલીના લેટરકાંડ મામલે પોલીસ પર સવાલો ઉઠી રહ્યા છે. જ્યારે પાયલ ગોટી જેલથી બહાર આવી ત્યારે તેણે પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા. જેમાં પાયલે કહ્યું હતું કે, તેને પોલીસ દ્વારા પટ્ટા મારવામાં આવ્યા હતા. ત્યારે પાયલ ગોટીના પોલીસ સામેના આક્ષેપોને લઈને SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી. જેમાં Dysp એ.જી.ગોહિલ, મહિલા P.I. આઇ.જે. ગીડા, મહિલા PSI એચ.જે.બરવાડીયાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
200 મહિલાઓએ વડાપ્રધાનને પત્ર લખી કરી
સુરતની 200 જેટલી મહિલાઓએ વડાપ્રધાન મોદીને પત્ર લખી પાયલ ગોટી પર લાગેલા આરોપ પર જાહેરમાં ખુલાસો કરવા માગ કરી હતી. આ સિવાય પત્રમાં પાયલ ગોટીના આરોપોની તપાસ માટેની માગ કરી હતી. તેમજ પોલીસે દીકરીનું સરઘસ કેમ કાઢવા અને અડધી રાત્રે તેની ધરપકડ કેમ કરાય તેને લઈને ખુલાસો માગવામાં આવ્યો. તમામ 200 જેટલી મહિલાઓએ પત્રમાં લખેલી માગ પૂરી ન થાય તો સ્વાભિમાન મિશનની ચિમકી પણ ઉચ્ચારી હતી.
આ પણ વાંચો: પાયલ ગોટીને લઈ જતી પોલીસને પરેશ ધાનાણીએ રસ્તામાં રોકી, કહ્યું- 'અત્યારે નહીં સવારે લઈ જજો'
શું હતી સમગ્ર ઘટના?
અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, અધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી.