Get The App

'જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો જાહેરમાં ચર્ચા કરે', પરેશ ધાનાણીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
'જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો જાહેરમાં ચર્ચા કરે', પરેશ ધાનાણીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ 1 - image


Open Challenge to Kaushik Vekaria for Public Debate : અમરેલીના બહુ ચર્ચિત લેટરકાંડ કેસમાં ધરપકડ કરાયેલી પાટીદાર યુવતી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે રાજકીય અને સામાજિક આગેવાનો મેદાને ઉતર્યા છે. આજે પરેશ ધાનાણીએ 24 કલાકનું એલ્ટિમેટમ આપતાં માંગ કરી છે કે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની માંગ કરી છે. જો 24 કલાકમાં પગલાં નહી લેવાય તો ગુરૂવારે સવારે 10:00 વાગ્યાથી અમરેલી પોલીસ જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ પર ઉતરવાની ધમકી આપી છે. 

પૂર્વ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પત્ર પરિષદ યોજી પાટીદાર યુવતીને ન્યાય આપવા માંગ કરી છે. તેમણે બનાવટી લેટર કાંડમાં ફસાયેલી યુવતી પાયલ ગોટી નિર્દોષ હોવાની પણ વાત હતી.  પરેશ ધાનીએ કહ્યું હતું કે પાયલ ગોટીને પોલીસે 16 કલાક સુધી ગેરકાયદેસર રીતે ગોંધી રાખી ઢોર માર માર્યો હતો. પાટીદાર યુવતી પાયલ ગોટીનો જાહેર વરઘોડો કાઢનાર લોકોને જો આજે છોડી મૂકવામાં આવશે તો આવતીકાલે મારી કે તમારી દીકરી સલામત નહી રહે.

આ પણ વાંચો : સુરતમાં ગોપાલ ઇટાલિયાએ જાહેર મંચ પરથી જાતે જ પટ્ટા મારી માફી માંગી, 'દીકરીને હું ન્યાય અપાવી ન શક્યો'

આગળ વાત કરતાં તેમણે કહ્યું હતું કે આગામી 24 કલાકમાં જવાબદાર પોલીસ અધિકારી અને કર્મચારીઓની હકાલપટ્ટી કરવામાં આવે. દીકરીને પટ્ટા મારનારના પટ્ટા ઉતારી દીકરીને ન્યાય આપો. જો 24 કલાકમાં પગલાં નહી લેવાય તો ગુરૂવારે સવારે 10:00 વાગ્યાથી અમરેલી પોલીસ જિલ્લા પોલીસ વડા સામે 24 કલાકના ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. 

પરેશ ધાનાણીએ ધારાસભ્ય કૌશિક વેકરિયાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો કે પત્રમાં લખાયેલા મુદ્દા બાબતે જાહેરમાં ચર્ચા કરવામાં આવે. જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલાં હોય તો આવતીકાલે સાંજે 6:00 વાગે રાજકમલ ચોકમાં જાહેરમાં ચર્ચા કરે. આ મામલે પરેશ ધાનાણીએ રાજકીય અને સામાજિક આગેવાનોને આ લડાઈમાં જોડાવા આહવાન કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલાં પણ પરેશ ધાનાણીએ આ મામલે સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો. 


'જો કૌશિક વેકરિયા દૂધે ધોયેલા હોય તો જાહેરમાં ચર્ચા કરે', પરેશ ધાનાણીએ 24 કલાકનું આપ્યું અલ્ટિમેટમ 2 - image

પરેશ ધાનાણીએ શું કહ્યું?

લેટરકાંડ અને પાટીદાર સમાજની દીકરીનું સરઘસ નીકાળવા મામલે કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ શેર કરીને લખ્યું હતું કે, 'લાજ લેનારા સામે લડીશું. કૌરવ કુળના અહંકારી લોકોએ અમરેલીની ભરબજારમાં, એક કુંવારી કન્યાનો 'જાહેરમાં વરઘોડો' કઢાવીને સમગ્ર ગુજરાતની ગરિમાને ઠેસ પહોંચાડી છે. સમાજ ક્યારેય માફ નહી કરે! શકુનીઓને સજા આપો. કાયદાની રખેવાળ કોર્ટમાં જામીન તો જડી જશે, પણ એક અબળાની ભરબજારે લૂંટાયેલી આબરુનું શું થશે? સળગતો સવાલ... સરદારના નામે સરકાર બનાવનારા શિખંડીઓની જમાતે માત્ર પોતાના રાજકીય અહંમને સંતોષવા એક નિર્દોષ અબળાની ભરબજારે આબરુ કાઢી છતાંય સમાજના શ્રેષ્ઠીઓની હજુય અકળ મૌનથી સમાજને શંકા થાય છે કે, એ બધા સમાજના આગેવાનો હશે કે પછી માત્ર સરકારી એજન્ટ?

શું હતી સમગ્ર ઘટના? 

અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાના નામવાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયો હતો. આ મામલે કાનપરિયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જાણકારી આપી હતી. નકલી લેટરપેડમાં ધારાસભ્ય કૌશિક વેકરિયા પર ગંભીર આરોપો મૂકાયા હોવાથી વેકરિયાના સમર્થકો ગાંધીનગર સુધી પહોંચ્યા હતા. સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. 



Google NewsGoogle News