Get The App

અમરેલી લેટરકાંડ: પટેલ સમાજની દીકરીનું સરઘસ કઢવા મુદ્દે ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસ આમને-સામને

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
અમરેલી લેટરકાંડ: પટેલ સમાજની દીકરીનું સરઘસ કઢવા મુદ્દે ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસ આમને-સામને 1 - image


Amreli News : અમરેલીમાં તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરીયાના નામ વાળો નકલી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાના મામલે કાનપરીયાએ પોલીસમાં ફરિયાદ કરી હતી અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલને પત્ર લખીને ઘટના અંગે જણાયું હતું. લેટરમાં ધારાસભ્યને બદનામ કરવાના મામલે ભાજપના પૂર્વ હોદેદાર અને એક મહિલા સહિત 4 કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી. આ પછી પોલીસે કથિત લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીનું સરઘસ કાઢ્યું હતું. સમગ્ર મામલામાં કોંગ્રેસ નેતાની એન્ટ્રીથી સ્થાનિક રાજકારણ ગરમાયું છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત દ્વારા મુખ્યમંત્રી અને ખોડલ ધામના નરેશ પટેલને સંબોધીને પત્ર લખ્યો હતો. 

મુખ્યમંત્રીને પત્ર લખીને કરી રજૂઆત

પત્રમાં પ્રતામ દુધાતે લખ્યું હતું કે, 'અમરેલી જિલ્લામાં ભાજપના અંદરો અંદર ગ્રુપમાં લેટરકાંડ થયો હતો. જેમાં પોતાના માલિકના કહેવા પ્રમાણે ઓપરેટર તરીકે કામ કરતી પટેલ સમાજની દીકરીએ ટાઈપ કર્યું હતું. લેટરકાંડ મામલે પટેલ સમાજની દીકરીની કોઈને બદનામ કરવાનો  ઈરાદો ન હતો, તેણે ફક્ત પોતાના માલિકના જણાવ્યા અનુસારનું ટાઈપ કર્યું હતું. તેમ છતા આ દીકરીને આરોપી બનાવી રાત્રે 12 વાગ્યે અમરેલી પોલીસે ધરપકડ કરીને બીજા દિવસે રિકન્સ્ટ્રક્શનના નામે મુખ્ય રોડ પર તેનું સરઘસ કાઢતા હોય એ રીતે ચલાવીને બનાવના સ્થળ પર લઈ ગયા હતા. અમરેલી પોલીસ દ્વારા એક ભાજપના નેતાનો અહમ સંતોષવા માટે આ પ્રમાણે કૃત્ય કર્યું જેમાં કાયદો અને બંધારણીય જોગવાઈ મુજબ કોઈ મહિલા રાત્રિના સમયે ધરપકડ ના કરી શકાય અને કોઈ પણ મહિલાની ઓળખ છતી થાય એમ લોકો વચ્ચા લાવવામાં ના આવે તેમ છતા તેનું સરઘસ કાઢવામાં આવ્યું. આમ અમરેલી પોલીસે બંધારણીય દૃષ્ટિએ આ દીકરી સાથે અન્યાય કર્યો છે. અમરેલીમાં ગુનેગારો, બુટલેગરો, ખનીજ ચોર વગેરેના આરોપીનું ક્યારેય સરઘસ કાઢ્યું નથી, આ ઉપરાત ઘણા આરોપીઓ ફરાર છે અને ખુલ્લેઆમ ફરી રહ્યા હોવા છતા તેમને ક્યારેય પકડવામાં આવતા નથી. જેથી અમરેલી પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગ છે.'

અમરેલી લેટરકાંડ: પટેલ સમાજની દીકરીનું સરઘસ કઢવા મુદ્દે ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસ આમને-સામને 2 - image

આ પણ વાંચો: અમરેલીમાં ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું, ભાજપના પૂર્વ પ્રમુખ-કાર્યકરો સહિત 4ની ધરપકડ

અમરેલીમાં લેટરકાંડ મામલે સ્થાનિક રાજકારણ ગરમાયું છે. લેટરકાંડમાં પોલીસે એક મહિલા સહિત ચાર આરોપીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે આરોપીની રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી કરી હતી. જેમાં પટેલ સમાજની દીકરીનું સરઘસ કાઢ્યું હોવાથી તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. સમગ્ર ઘટના મામલે ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, 'મે સ્થળની મુલાકાત લીધી હતી. દીકરીનું સરઘસ નહોંતુ કાઢ્યું પણ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું હતું.'

અમરેલી લેટરકાંડ: પટેલ સમાજની દીકરીનું સરઘસ કઢવા મુદ્દે ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસ આમને-સામને 3 - image

શું છે સમગ્ર મામલો?

પોલીસની માહિતી મુજબ, અમરેલીમાં ભાજપના પ્રમુખ કિશોર કાનપરીયાના નામે કેટલાક શખસોએ બનાવટી લેટરપેડ સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો. જેમાં ધારાસભ્ય કૌશિક વેકરીયાને બદનામ કરવાનું કાવતરું ઘડવાયું હતું. આ મામલે જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે અલગ-અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરી હતી. જેમાં અમરેલી લોકલ ક્રાઇમ બ્રાન્ચે લેટરપેડ બનાવી વાઈરલ કરનારા યુવા ભાજપનો પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા, વિઠલપુર-ખભાળીયાના પાયલબહેન ગોટી, જશવંતગઢ ગામનો સરપંચ અશોક માંગરોળીયા, જશવંતગઢના જીતુ ખાત્રાને ઝડપી પાડ્યા હતા.

અમરેલી લેટરકાંડ: પટેલ સમાજની દીકરીનું સરઘસ કઢવા મુદ્દે ગરમાયું રાજકારણ, ભાજપ-કોંગ્રેસ આમને-સામને 4 - image

લેટરકાંડ મુદ્દે અમરેલી જિલ્લાની રાજનીતિ ચરમસીમા પર પહોંચી છે, ત્યારે કોંગ્રેસ નેતા જેની ઠુંમર અમરેલી જિલ્લા જેલ ખાતે પાયલ ગોટીને મળવા પહોંચ્યા હતા. પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ જેની ઠુંમરે પાયલ સાથે મુલાકાત કરીને જણાવ્યું હતું કે, 'જ્યાં સુધી જામીન નહીં મળે ત્યાં સુધી દીકરીના પરિવાર સાથે હું વિઠલપુર રહીશ.'



Google NewsGoogle News