અમરેલી: વેકેશનમાં સિંહ દર્શન કરવા જવાના છો? જતા પહેલા આ અહેવાલ ખાસ વાંચી લેજો
Gir Forest Department Issues Alert, Tourists Beware : દિવાળી વેકેશન દરમિયાન સિંહ દર્શન કરવા માટે અમરેલી, ગીર સોમનાથ સહિતના જંગલ વિસ્તારમાં પ્રવાસે આવતા મુલાકાતીઓની ભીડ વધુ જોવા મળતી હોય છે. આ દરમિયાન પ્રવાસે આવતા મુલાકાતીઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને વન્ય પ્રાણી સાથે પજવણી ન થાય તે માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, ત્યારે અમરેલીમાં ગીર પાણીયારા અને મિતિયાળા અભયારણ્ય દ્વારા વન્યજીવોને લઈને માર્ગદર્શિકા જાહેર કરીને પ્રવાસીઓને પાલન કરવા જણાવ્યું છે. જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શનને લઈને ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
સિંહોની પજવણીને લઈને વન વિભાગનું રેડ એલર્ટ
ગીર સહિતના જંગલ વિસ્તારોમાં વન્ય જીવોની પજવણીના કેટલાક કિસ્સા સામે આવતા હોય છે. ગીર પૂર્વ વન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને પ્રવાસીઓને સિંહોની પજવણી ન કરવા સૂચના આપવામાં આવી છે. આ સાથે જંગલ વિસ્તારોમાં વન વિભાગનું સઘન પેટ્રોલિંગની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે રાત્રીના સમય દરમિયાન પણ પેટ્રોલિંગ વધારી દેવાયું છે.
ધારી વન વિભાગના અધિકારીએ શું કહ્યું?
ધારી વન વિભાગના ડીસીએફ રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું કે, ગીરની આજુબાજુના વિસ્તારોમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન અને અન્ય વન્ય પ્રાણીઓ જોવા માટે આવતા હોય છે. જેમાં પ્રવાસીઓની મુલાકાત દરમિયાન જંગલ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને, વન્ય પ્રાણીઓને નૈસર્ગિક જીવન પર કોઈ ખલેલ ન પડે અને લોકોને વન્ય પ્રાણીઓથી કોઈ જોખમ ઉભું ન થાય તેને ધ્યાનમાં લઈને વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું.
આ પણ વાંચો : વેકેશન માટેની ટ્રેન: ગુજરાતના આ શહેરોમાંથી આજથી નવી 11 વિશેષ ટ્રેન શરૂ
તેમજ જંગલમાંથી નીકળતા જાહેર માર્ગો અને જંગલમાં સ્થિત ધાર્મિક સ્થળો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે હેતુથી પોલીસ અને વન વિભાગ દ્વારા સંયુક્ત રીતે સઘન આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ગીરમાં મિતિયાળા અભયારણ્યની આજુબાજુમાં હોટલ-રિસોર્ટસને પણ આ અંગે જાણકારી આપીને પ્રવાસીઓ ગેરકાયદેસર સિંહદર્શનની પ્રવૃત્તિમાં ન જોડાઈ તેવી સૂચના આપવાની સાથે વન્ય પ્રાણીઓને ખોરાક ન આપવા અને પ્લાસ્ટિક સહિતનો કચરો કચરાપેટીમાં નાખવાની અપીલ કરી હતી.