અમરેલી: બેસતા વર્ષે જ ચાર ભાઈ-બહેનના ગૂંગળાઈ જતા મોત, કારમાં થઈ ગયા હતા લોક
Amreli Accident: હાલમાં તહેવારનો માહોલ ચાલી રહ્યો છે, દરેકના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે અમરેલીથી દુખદ સમાચાર સામે આવ્યા છે. 2 નવેમ્બરનો દિવસ અમરેલીના પરિવારના માથે આફત બનીને તૂટી પડ્યો હતો. અમરેલી તાલુકાના રાંઢીયા ગામે વાડી વિસ્તારમાં કારમાં રમી રહેલા 4 બાળકો ગૂંગળાય જતાં મોત નિપજ્યું છે. જેમાં 2 દીકરી અને 2 દીકરાનો સમાવેશ થાય છે. આ ઘટનાને લઈને સમગ્ર પંથકમાં એરરાટી વ્યાપી જવા પામી છે. આ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 2 નવેમ્બરના રોજ એટલે બેસતા વર્ષના દિવસ અમેરેલીના પરિવારના માટે કાળ બનીને આવ્યો હતો. વાત જાણે એમ છે કે અમરેલી તાલુકાના રાંઢીયા ગામ નજીક વાડી વિસ્તારમાં કારમાં 4 બાળકો રમી રહ્યા હતા. તે દરમિયાન કારનો દરવાજો લોક થઇ જતાં એક જ પરિવારના 4 બાળકોના ગુંગળામણના લીધે મોતને ભેટ્યા હતા. આ બનાવ બન્યો તે સમયે માતા પિતા અન્ય વિસ્તારમાં મજૂરી કામે ગયા હતા. આ પરિવાર મૂળ મધ્ય પ્રદેશનો રહેવાસી છે.
આ દુર્ઘટનામાં ગુંગળામણના લીધે 2 દીકરી અને 2 દીકરાના મોત નિપજ્યા હતા. આ બનાવને લઇને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.