'મોટાભાગના રાજનેતાઓનો ઉદ્દેશ્ય ફક્ત પૈસા...', ગુજરાત ભાજપના કદાવર નેતાએ વગાડી ખતરાની ઘંટડી
Dr. Bharat Kanabar Social Media Post Viral: અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડૉ. ભરત કાનાબાર અવારનવાર સોશિયલ મીડિયામાં પોતાની પોસ્ટને લીધે ચર્ચામાં રહે છે. ત્યારે ફરી એકવાર તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ મૂકીને રાજકીય નેતાઓ અને આગેવાનો સામે પ્રજાના આક્રોશની વાત મૂકી છે. તેમણે લખ્યું છે કે 'મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ “અનિવાર્ય અનિષ્ટ” છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી!'
ભાજપના નેતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ખળભળાટ
વાત જાણે એમ છે કે રાજ્યમાં ખાબકેલા ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ત્યારે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. પૂરના પાણી ઓસર્યા બાદ કેટલાક સ્થાનિક પક્ષ અને વિરોધ પક્ષના નેતા શહેરની મુલાકાતે આવતાં શહેરીજનોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે તેમણે 'X' પર લખ્યું કે, 'જનતાનો આક્રોશ રાજકીય નેતાઓ અને આગેવાનો માટે ખતરાની ઘંટી સમાન છે.'
નેતાઓ પ્રત્યે લોકામાં રોષને લઈને અમરેલીના ભાજપના નેતા ડૉ. ભરત કાનાબારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી છે. જેમાં તેમણે લખ્યું કે, અતિવૃષ્ટિ પછી વડોદરા અને અન્ય સ્થળોએ રાજકારણીઓ પ્રત્યે વ્યક્ત થઈ રહેલો લોકોનો આક્રોશ પોતાને નેતા અને આગેવાન માનતા દરેક રાજકીય વ્યક્તિ માટે ખતરાની ઘંટડી સમાન છે. મોટાભાગની જનતાના મતે રાજકારણીઓ અનિવાર્ય અનિષ્ટ છે જેમનો ઉદ્દેશ્ય રાજકારણમાંથી પૈસા બનાવવાથી વિશેષ કંઈ નથી!'
આ પણ વાંચો: 'દૂરથી રામ-રામ', 'ખેસ કાઢી નાંખો...': વડોદરામાં કિટ વહેંચવા આવેલા ભાજપ નેતાઓને લોકોએ ઘેર્યા
વડોદરામાં શિક્ષણમંત્રી સહિતના નેતા સામે સ્થાનિકોનો રોષ
વદોદરામાં પૂરની સ્થિતિ સર્જાયા બાદ સ્થાનિક તંત્રનો લોકોએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન પૂરગ્રસ્ત વિસ્તારમાં જે પણ નેતાઓ પહોંચે તો ત્યાં તેમને બહિષ્કાર કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પાસેની સોમનાથ સોસાયટીમાં અનાજની કિટ વિતરણ માટે પહોંચતા અમુક સ્થાનિક લોકોએ 'અમારે કિટની નહીં, પરંતુ પાણીના નિકાલની જરૂરિયાત છે' તેમ કહીને ભાજપના શિક્ષણમંત્રી કુબેર ડિંડોર સહિતના નેતાઓના સામે વિરોધ નોંધ્યો હતો.
આ પણ વાંચો: 'ન તો ગૌહત્યા થવી જોઈએ, ન તો માનવીનું લિન્ચિંગ...', RSS નેતાએ ધાર્મિક કટ્ટરતાથી સાવચેત કર્યા
જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે
ઉલ્લેખનીય છે આ પહેલીવાર નથી કે પ્રમુખ ડૉ. ભરત કાનાબારે 'X' પર લખીને સરકાર અને તંત્રના કાન આમળ્યા હોય છે. આ અગાઉ પણ ઘણીવાર તે સરકાર અને તંત્ર પર પ્રહોર કરી ચૂક્યા છે. તેમણે અગાઉ 'X' પર લખ્યું હતું કે, 'નવા બનેલા રસ્તાઓ પર ટૂંકા સમયમાં ખાડા અને ભુવા પડે છે. ત્યારે માત્ર રસ્તાઓ જ નથી તૂટતાં, લોકોનો તંત્ર પરનો ભરોસો તૂટે છે. નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટરને દંડ થાય એ તો સમજયા પણ આવા કામ પર જેમની સુપરવિઝન કરવાની જવાબદારી છે એવા મોટા મસ પગાર લેતાં એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓને કેમ કોઈ દંડ થતો નથી? એમને સરકાર પગાર શેનો આપે છે?'
ડૉ. પ્રમુખ ભરત કાનાબારે 'X' પર લખ્યું કે, 'આવા રસ્તા પર હડદોલા ખાતાં ખાતાં પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે, ક્યારેય તેની હાડમારીનો અંત આવશે નહિ. તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે.'