અહો આશ્ચર્યમ.... આંબાના એક જ વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ, ધારી તાલુકાના ખેડૂતનો સફળ પ્રયોગ
14 types of mangoes : સામાન્ય રીતે કેરીના શોખીનો કેસર કેરી, હાફુસ કેરી, લંગડો કેરીનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે મહારાષ્ટ્રમાં અને અન્ય રાજ્યમાં પાકતી કેરીઓ સહિત ગુજરાતના ગીર કાંઠાના ધારીના દીતલા ગામે રહેતા ઉકાભાઈ ભટ્ટીનાં ઘર આંગણે એકજ આંબાના વૃક્ષ પર એકી સાથે 14 પ્રકારની અલગ અલગ પ્રકારની અને અલગ અલગ સ્વાદની કેરીઓ આમ્રવૃક્ષ પર લટકી રહી છે. જે લોકોમાં આશ્ચર્ય પમાડે છે અને આ બાબત આકર્ષણરૂપ બની છે. નજીકના દિવસોમાં આ કેરીઓ બજારમાં વેચાવા પણ આવશે.
કેરીના વાવેતરમાં ધાર પંથકનું નામ સમગ્ર સૌરાષ્ટ્રમાં અગ્રિમ પંક્તિનું રહ્યું છે. અહીં પ્રગતિશીલ ખેડૂતો કેરીનું વધુ ઉત્પાદન મેળવવામાં સફળ થયા છે. અલબત એક જ વૃક્ષ ઉપર 14 પ્રકારની કેરી ઉગાડવાનો સફળ પ્રયોગ કરનાર બાગાયતકાર ઉકાભાઈ ભટ્ટી જણાવે છે કે પોતાને 20 વીઘા જમીન છે જેમાં આંબાનો બગીચો છે. પોતાના નિવાસસ્થાને દેશી આંબાનું વાવેતર 25 વર્ષ પહેલાં કરવામાં આવ્યું હતું .

નવાબ કાળમાં કેરીઓની 200 જાતો હતી જેમાંથી અત્યારે માત્ર કેસર કેરીઓ જ જોવા મળે છે, અન્ય કેરીઓ લુપ્ત થઈ ગઈ છે. આ લુપ્ત જાતોને પુનઃ વિકસાવવા બાગાયતકાર મહારાષ્ટ્રમાં ગયેલા હતા અને એ પછી અમુક જાતની કેરીઓ વિકસાવવાનો વિચાર આવ્યા હતો. તે જાતોની ડાળખીઓ મેળવી આ પ્રયોગ કર્યો છે. અન્ય તાલુકા મથકોએથી ખેડૂતો આ એક જ આંબાના વૃક્ષ પર 14 પ્રકારની કેરીઓ કેમ ઊગે તેના રિસર્ચ કરવા આવ્યા હતા. વૈશાખ મહિનો આવું આવું થયો છે ત્યારે આ આંબાની કેરીઓ પણ બજારમાં આવશે.
આ પદ્ધતિથી એક વૃક્ષ પર 100 જાત વિકસાવી શકાય
તાલાલા ખાતે આવેલા મેંગો એકસેલન્સ બાગાયત અધિકારી વિજયસિંહ બારડે કહ્યું હતું કે હવે બાગાયત વિભાગમાં ગ્રાફ્ટિંગ અને ખૂટા નવી પદ્ધતિ વિકાસ પામી ગઈ છે. આ પદ્ધતિથી એક જ આંબા પર 100 જેટલી જુદી જુદી અલગ અલગ જાતની કેરીઓ ઉગાડી શકાય છે. તાલાલા તાલુકાના ભાલછેલ ગામે એક આંબા પર 65 જાતની વેરાઈટીની કેરીઓ ઉગાડવામાં આવી હતી. જો કે આ કામગીરી સ્કીલ અને મહેનત માગી લે એવી હોય છે. જેમાં ગ્રાફ્ટિંગ કરવાથી લઈને આંબાને જાળવવા જુદા જુદા પગલાં લેવા પડે છે.