સચિનની આગમાં દાઝેલા પરિવારના પાંચ સભ્યો પૈકી વધુ એકનું મોત
- દુધ ગરમ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા દંપતિ અને ૩ સંતાન દાઝર્યા હતા
સુરત :
સચીનમાં ૧૨ દિવસ પહેલા દુધ ગરમ કરતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા દાઝી એક પરિવારના પાંચ સભ્યો પૈકી મહિલાનું આજે શનિવારે સવારે સારવાર દરમિયાન મોત થયુ હતું. જયારે ચાર દિવસ પહેલા યુવાનના માત થયા બાદ તેમની પત્નીના મોત સાથે કુલ મૃત્યુ આંક બે થયો છે.
નવી સિવિલથી મળેલી વિગત મુજબ સચીનમાં સુડા સેકટર પાસે સાંઇનાથ સોસાયટીમાં રહેતી ૧૯ વર્ષીય જૈમીનનિશા ફિરોઝ અંન્સારી ગત તા.૧૪મી મોડી રાતે ઘરમાં દુધ ગરમ કરવા માટે ગેસનો ચુલો કરવા ગઇ હતી. તે સમયે સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થવાના લીધે આગનો ભડકો થયા બાદ આગ લાગી હતી. જોકે આગની લપેટમાં જૈનીનનિશા, તેમના પતિ ફિરોઝ સતાર અંન્સારી (ઉ-વ-૨૫) તથા તેમના સંતાનમાં અલીમાસ (ઉ-વ-૪), શેહજાદી (ઉ-વ-૩) અને અલ્તાફ (ઉ-વ-૩) દાઝી ગયા હતા. જેથી પરિવારના પાંચે સભ્યોને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યાં ચાર દિવસ પહેલા સારવાર દરમિયાન ફિરોઝનું મોત થયા બાદ આજે શનિવારે સવારે સારવાર દરમિયાન તેની પત્ની જૈમીનનિશાનું મોત નીંપજયું હતું. આ અંગે સચીન પોલીસે તપાસ હાથ ધરી છે.