રાજકોટના 21 લાખ મતદારોમાં ભાજપ પછી કોંગ્રેસને યોગ્ય ઉમેદવાર મળ્યા નહીં
અગાઉ આયાતી-નવા ઉમેદવારથી નારાજ ભાજપમાં હવે 'શિસ્ત' વધ્યું
પોરબંદરમાં ખુદ ભાજપના સાંસદે કહ્યું, માંડવિયા કેન્દ્રીય મંત્રી બનશે, વારંવાર આવી શકશે નહીં પણ લાભો અપાવશે, આવું જ રૂપાલા માટે
રાજકોટ, : રાજકોટ સંસદીય બેઠક ઈસ. 1952થી અસ્તિત્વમાં છે અને જ્યારે ભાજપનો જન્મ ન્હોતો ત્યારે રાજકોટના રહેવાસી કેશુભાઈ પટેલ અહીંથી જનતા પક્ષમાંથી જીત્યા હતા પરંતુ, પ્રથમવાર ભાજપને આ મતવિસ્તારમાંથી કોઈ સ્થાનિક યોગ્ય ઉમેદવાર નહીં મળતા અમરેલીના પુરૂષોત્તમ રૂપાલાને ટિકીટ અપાઈ છે તો હવે કોંગ્રેસ પણ તેના પગલે ચાલીને અમરેલીના પરેશ ધાનાણીનું પસંદગી કરતા આ મતવિસ્તારમાં 21.04 લાખમાંથી કોઈ યોગ્ય મૂરતિયો એક પણ પક્ષને જણાતો નથી તે બાબતે ચર્ચા જાગી છે. બીજા સંસદીય ક્ષેત્રમાંથી આવતા ઉમેદવારો ચૂંટણી જીત્યા પછી રાજકોટમાં સ્થાનિકે કાયમી ઉપલબ્ધ થશે કે કેમ તે સવાલ પણ જાગ્યો છે.
પોરબંદરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના વર્તમાન સાંસદ રમેશ ધડુકે કહ્યું કે પોતે અવારનવાર પોરબંદર આવતા જતા રહ્યા છે પરંતુ, મનસુખભાઈ કેબીનેટ બનીને કેન્દ્રમાં જશે તેથી તેઓ વારંવાર પોરબંદર આવી નહીં શકે પરંતુ, પોરબંદરને લાભ અપાવશે. પોરબંદર ભાજપ કાર્યાલય ખાતે સાંસદ માટે ખાસ રૂમ બનાવાયો છે તે રૂમ માંડવિયાએ અત્યારથી જ મને (ધડુકને) સોંપી દીધો છે. આ જ વાત પછી રાજકોટના પુરૂષોત્તમ રૂપાલા માટે પણ લાગુ પડે તેમ છે.
જો કે રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ હવે બદલાયા છે અને પક્ષ સામે ન્હોર ભરાવવાનું હવે બંધ કરી દીધું છે પરંતુ, એક સમયે, ઈ.સ. 2009માં સતત 4 ટર્મથી જીતતા આવેલા લેઉઆ પટેલ ડો.કથિરીયાને પડતા મુકીને પક્ષમાં નવાસવા પણ પૈસાદાર એવા કિરણ પટેલને ટિકીટ અપાતા આ જ ભાજપે એટલો વિરોધ કર્યો કે ભાજપે 20 વર્ષનો આ ગઢ ગુમાવવો પડયો હતો અને પરાજ્ય મેળવવો પડયો હતો. બાદમાં ઈ. 2014માં મોહન કુંડારિયાની પસંદગી વખતે પણ તેઓ મોરબીના છે તેમ કહીને ગણગણાટ થયો હતો જો કે રાજકોટ નજીક ટંકારા મતવિસ્તારમાં તે વર્ષોથી જીતતા હોય તેમને કાર્યકરોએ પછી સ્વીકારી લીધા હતા.
જ્યારે રાજકોટ કોંગ્રેસનો ગઢ માત્ર 1984 સુધી રહ્યો હતો અને દર વખતે ઉમેદવારો બદલાતા રહે છે. આ વખતે ભાજપે રાજકોટમાં અમરેલીના પાટીદાર રૂપાલાને ટિકીટ આપતા હવે કોંગ્રેસે અમરેલીના જ પાટીદાર પરેશ ધાનાણીનું નામ નક્કી કર્યું છે. આ અંગે ધાનાણીએ જણાવ્યું હતું કે પોતે ચૂંટણી લડવા માંગતા નથી તે વાત તેમણે અગાઉ જ પક્ષને જણાવી દીધી છે, જરા પણ ઈચ્છા નથી પરંતુ, પક્ષનું કામ કરશે. આ પહેલા પૂર્વ ધારાસભ્ય લલિત કગથરાએ પણ ચૂંટણી લડવા ના પાડી છે. રાજકોટના કોંગ્રેસના નેતાઓ ચૂંટણી લડવા ઈચ્છે છે પરંતુ, તેમના નામ હજુ પસંદ થયા નથી.