આજે જામકંડોરણા ખાતે અમિત શાહની સભા : રાજ્યના 4 મતક્ષેત્રોમાં પ્રચાર કરશે
આ સભામાં પણ ક્ષત્રિય પોલીસકર્મીઓનો બંદોબસ્ત સ્થાનિક ભંગાર રસ્તા સહિતના પ્રશ્નોને ભૂલી જઈને દેશના વિકાસને જ ધ્યાનમાં રાખવા ગુ્રપ સભાઓમાં અપીલ કરાઈ
રાજકોટ, : રાજ્યમાં ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં પ્રવેશી રહ્યો છે ત્યારે આવતીકાલે તા. 27ને શનિવારે પોરબંદર બેઠક પરથી લડતા કેન્દ્રીય આરોગ્યમંત્રીના પ્રચાર માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જામકંડોરણા કુમાર છાત્રાલય ખાતે સવારે 10 વાગ્યે સભાનું આયોજન થયું છે.
ભાજપના સૂત્રો અનુસાર સવારે 10 વાગ્યે આ સભા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી બપોરે 2 વાગ્યે ભરૂચ બેઠક માટે રાજપીપળા હાઈવે પર ખડોલી ગામે સભાને સંબોધન કરશે તથા સાંજે ચાર વાગ્યે પંચમહાલ બેઠક માટે ગોધરા જિલ્લાના લુણાવડા બાયપાસ પાસે પંચામૃત ડેરી પાસે અને સાંજે 6 વાગ્યે વડોદરા બેઠક માટે રણમુક્તેશ્વર મહાદેવ મંદિર, અકોટા ખાતે એમ આવતીકાલે કૂલ ચાર સભાને સંબોધન કરશે.
ધોરાજીથી અહેવાલ મૂજબ જામકંડોરણામાં પચાસ હજારની મેદની ભેગી કરવા ગોંડલ, જેતપુર, ઉપલેટા, ભાયાવદર ખાતે ધારાસભ્યએ ગુ્રપ સભા યોજી હતી અને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી આવતા હોય ત્યારે સ્થાનિક ભંગાર રસ્તા અને વ્યક્તિગત પ્રશ્નો ભૂલી જઈને દેશના વિકાસને ધ્યાનમાં લઈ ઉમટી પડવા અપીલ કરાઈ હતી.
જેતપુરથી અહેવાલ મૂજબ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે 10-15 વાગ્યે રાજકોટથી 30 કિ.મી.દૂર હીરાસર એરપોર્ટ ખાતે આવશે અને ત્યાંથી તેઓ હેલીકોપ્ટરમાં જામકંડોરણા જવા રવાના થશે અને સભા સંબોધી બપોરે 12.15 વાગ્યે પરત આવશે. સભામાં 5 ડીવાય.એસ.પી., 11 પી.આઈ. સહિત 700થી વધુ પોલીસનો બંદોબસ્ત રખાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટ જિલ્લામાંથી વિવિધ 15 પોલીસ કર્મચારીઓને બંદોબસ્ત માટે મુકાયા છે જે તમામ ક્ષત્રિય જ્ઞાાતિના છે અને બંદોબસ્તમાં તેમને જ, તેમના વિકલ્પે અન્ય કોઈને નહીં તે રીતે મોકલવા પણ સૂચના અપાઈ છે.