વિશ્વામિત્રી કાંઠે ભાજપના કોર્પોરેટરનું બાંધકામ તોડવા અમિત ચાવડાએ CMને પત્ર લખ્યો : કોંગ્રેસ નેતાના બંગલા માટે ચુપકિદી
Amit Chavda letter to CM : ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહએ પોતાની જમીનમાં વિશ્વામિત્રી નદી કિનારે કરેલું બાંધકામ સ્વેચ્છાએ હટાવી દીધું છે જ્યારે કોંગ્રેસના જિલ્લાના પૂર્વ પ્રમુખે પ્રતિબંધિત વિસ્તાર-1 માં કરાયેલા બાંધકામને દુર કરવાની વાતને વિશ્વામિત્રી બચાવો સમિતિ સમર્થન આપે છે.
વિશ્વામિત્રી બચાવો સમિતિના એડવોકેટ શૈલેષ અમીન, કિશોર શર્મા, સંજય વાઘેલા, સન્ની ધોબી જણાવે છે કે વડોદરામાં આવેલા પુરથી લોકોને પારાવાર નુકશાન થયેલું છે, આર્થિક નુકશાનમાં બેઠા થઇ શકતા નથી, ખુબ દુખી છે, પારાવાર વેદના છે એવી સ્થિતિનો લાભ લઇને કોઈએ આક્ષેપબાજી કરી રાજકારણ રમવું જોઈએ નહિ. કોંગ્રેસ અગ્રણી અમિત ચાવડાએ કોઈકના ઇશારે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતાનું લેટરપેડ વાપરીને જયારે પરાક્રમસિંહ જાડેજાનું ફાર્મ હાઉસને ગેરકાયદેસર બાંધકામ જણાવી 30 દિવસમાં દુર કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે ત્યારે એ યાદ રાખવું જોઈએ કે અમિત ચાવડાએ છેલ્લી કોર્પોરેશનમાં પોતાના અંગત સંબંધમાં જેમને ટીકીટ આપેલી હતી અને આ જ પ્રતિબંધિત વિસ્તાર-1 વાળી જમીન ઉપર ગેરકાયદેસરના બાંધકામમાં બનાવેલા કાર્યાલય પર બેસીને રેલીનું આયોજન કરેલું હતું. શું અમિત ચાવડા એમના અગંત સંબધ થી કોંગ્રેસની ટીકીટ આપેલાની પ્રતિબંધિત વિસ્તાર-1 વાળી જમીન ઉપર બાંધેલા ગેરકાયદેસરના બાંધકામને 30 દિવસમાં તોડવા માટે મુખ્યમંત્રીને પત્ર લખશે....? અમિત ચાવડાને મુખ્યમંત્રીને પત્ર લખીને જણાવેલા બાંધકામોને 30 દિવસમાં દુર કરવાની સલાહ આપનારનો ઈરાદો શકાસ્પદ લાગે છે.
અમિત ચાવડાને અમે તાકીદ કરીએ છીએ કે, વડોદરાના પૂર પીડિતોની લાગણીને પોતાની રાજકીય આક્ષેપબાજીનું સાધન સમજવાનું બંધ કરે વડોદરાની પ્રજાને ભીષણ પૂરમાં થયેલ પારાવાર નુકશાનથી ઉભી થયેલી સમસ્યાનું નિરાકરણ લાવવાના પ્રયાસો કરવા જોઈએ નહીતો હવે વડોદરામાં આવશે તો વિરોધનો સામનો કરવો પડશે. જયારે વડોદરાના નગરજનો માનવ સર્જિત પૂરથી સપડાયેલા હતા અને હજુ પારાવાર નુકશાન, મુશ્કેલી અને વેદનાનો ભાર વેઠી રહ્યા છે, શાસનનો વિકલ્પ શોધી રહ્યા છે ત્યારે માત્રને માત્ર રાજકીય આક્ષેપબાજી કરવાથી રાજકીય વિકલ્પ તરીકે પ્રસ્થાપિત કરવામાં પણ નિષ્ફળ રહ્યા છો.