સફાઇ ઝુંબેશ વચ્ચે મ્યુનિ.ના અનામત પ્લોટમાં ગંદકીના ઢેરથી સ્થાનિક લોકોની હાલત કફોડી
પાલ વિસ્તારમાં સુરતી મોઢ વણિક સમાજની વાડીની બાજુમાં અનામત પ્લોટમાં ગંદકી દૂર વાંરવાર રજૂઆતો થતા પરિણામ શૂન્ય
સુરત,
ગુજરાત સરકાર ના આદેશ મુજબ સ્વચ્છતા હી સેવા ના કાર્યક્રમ અંતર્ગત સફાઈ અભિયાન આગામી દિવસોમાં માં વધુ સઘન કરવા માટે '60 દિવસ સફાઈ ઝુંબેશ' કાર્યક્રમ ને સફળ બનાવવા સુરત મહાનગર પાલિકા દ્વારા સફાઈ અભિયાન ચલાવી રહી છે. સુરત શહેરના વિવિધ વિસ્તારમાં તળાવ, ખાડી, સ્લમ વિસ્તાર સહિત અનેક જગ્યાએ પાલિકાનું અભિયાન પહોચ્યું છે પરંતુ પાલિકાના કેટલાક અનામત પ્લોટ પર આ અભિયાન પહોચ્યું નથી અને પાલિકાના અનેક અનામત પ્લોટ ગંદકીથી ખદબદી રહ્યાં છે.
રાંદેર ઝોનમાં પાલ વિસ્તારમાં સુરતી મોઢ વણિક સમાજ ની વાડી ની બાજુમાં પાલિકાનો અનામત પ્લોટ આવ્યો છે. પાલિકાએ આ પ્લોટનો ટીપી સ્કીમ હેઠળ લઈ લીધો છે અને પ્લોટ ફરતે કમ્પાઉન્ડ વોલ પણ કરી દીધી છે. પરંતુ પાલિકા પ્લોટનો કબજો લઈને તેમાં સફાઈ કરવાનું ભૂલી ગઈ છે. તેના કારણે આ અનામત પ્લોટ માં અનેક જગ્યાએ નાના મોટા ઝાડ ઉગી ગયા છે અને કેટલાક લોકો કચરો પણ નાંખી રહ્યાં છે. આ ગંદકી ઉપરાંત ઝાડી ઝાંખરા ના કારણે મચ્છરનો પણ ઉપદ્રવ પણ વધી રહ્યો છે. આ પ્લોટમાંથી ગંદકી દુર કરવા માટે સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી તેમ છતાં પાલિકા દ્વારા કોઈ કામગીરી ન કરાતા લોકોની મુશ્કેલી વધી રહી છે.
આવી જ રીતે પાલનપોર કેનાલ થી રામનગર તરફ જતા રસ્તા પર પશુપાલકોની વસ્તી આવી છે આ જગ્યાએ પણ પાલિકાનો કોમન પ્લોટ આવ્યો છે પાલિકાએ આ જગ્યાએ અનામત પ્લોટ નું બોર્ડ લગાવ્યું છે પરંતુ આ પ્લોટમાં પશુપાલકો છાણ અને કચરો નાખી ને પાલિકાના પ્લોટને ઉકરડો બનાવી દીધો છે. આ વિસ્તારમાં કેટલાક પશુપાલકો માથાભારે હોવાથી પાલિકાના કર્મચારીઓ પ્લોટનો કબજો લેવા કે સફાઈ કરવા માટે પણ જઈ શકતા નથી. પાલિકા એક તરફ સફાઈ અભિયાન ચલાવી શહેર આખાના કચરાની સફાઈ કરી રહી છે ત્યારે બીજી તરફ આવા અનેક પાર્ટી પ્લોટમાં ગંદકીના ઢગ અને ઉકરડા બનાવી દેવાયા છે જેના કારણે પાલિકા લોકો સુધી સફાઈ અભિયાન ચલાવે છે પરંતુ પોતાના પ્લોટમાં જ સફાઈ કરાવી શકતી નથી તેવી ફરિયાદ થઈ રહી છે.