ગુજરાતમાં હજુ ભારે વરસાદની અંબાલાલની આગાહી, આ દિવસે જોવા મળશે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ
Ambalal Patel Predicts : રાજ્યમાં સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા સહિતના જિલ્લામાં અતિભારે વરસાદ પડ્યો હોવાથી નદીમાં પૂર જેવી સ્થિતિ નિર્માણ પામી છે. આ ઉપરાંત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ત્યારે આગામી 24 જુલાઈ સુધીમાં ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં જે વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નહિવત છે ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળશે.
23-24 જુલાઈના દિવસે અમદાવાદ-ગાંધીનગરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરતાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં આગામી 24 જુલાઈ સુધીમાં મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના વિવિધ ભાગમાં 4 ઈંચ સુધી વરસાદ નોંધાઈ શકે છે. આ સાથે 23-24 જુલાઈના દિવસે અમદાવાદ, ગાંધીનગર, પાટડી, દસાડા, વિરમગામ, સાણંદ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.'
આ પણ વાંચો : 18 ઈંચ વરસાદથી દ્વારકામાં જળતાંડવ: ઘરો પાણીમાં ડૂબ્યાં, NDRFની ટીમો થઈ દોડતી
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સાત ઈંચ જેટલો વરસાદ પડશે
અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, 'આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું જોર રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સાત ઈંચ સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત, ઉત્તર ગુજરાતના ભાગોમાં સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા સહિતના વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ જેવો વરસાદ પડી શકે છે. બીજી તરફ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ વધુ વરસાદ પડવાની શક્યતા છે.'
જ્યાં વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડવાની આગાહી
રાજ્યમાં સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા ઉભી થઈ છે. બીજી તરફ, રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજુ સુધી વરસાદનું પ્રમાણ જોવા મળ્યું નથી, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી 24 જુલાઈ સુધીમાં જે વિસ્તારોમાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ પડવાની શક્યતા હોવાનું જણાવ્યું છે.