અંબાજી પ્રસાદ વિવાદ : મુખ્ય પુજારીના નિવેદન બાદ ભક્તોમાં રોષ, દાંતાના મહારાજાએ હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી
મોહનથાળ પ્રસાદ ફરી શરૂ ન કરાય તો દાંતાના મહારાજા પરમવીર સિંહે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી
900 વર્ષથી ચાલતી પરંપરા બંધ કરવી યોગ્ય નથી, PM મોદીને મધ્યસ્થી કરવા રજૂઆત દાંતાના મહારાજા પરમવીર સિંહની રજૂઆત
અમદાવાદ, તા.12 માર્ચ-2023, રવિવાર
અંબાજીમાં વર્ષોથી અપાતો મહાપ્રસાદ મોહનથાળ બંધ કરી ચિક્કી કરવાના નિર્ણય બાદ સમગ્ર રાજ્યમાં ભક્તો રોષે ભરાયા છે. તો વિવિધ સંસ્થાઓએ પણ નારાજગી વ્યક્ત કરી છે, ત્યારે અંબાજીના મહાપ્રસાદનો વિવાદ હાઈકોર્ટમાં લઈ જવાની તૈયારીઓ કરાઈ છે. જો મોહનથાળ પ્રસાદ ફરી શરૂ ન કરાય તો દાંતાના મહારાજા પરમવીર સિંહે હાઈકોર્ટમાં જવાની તૈયારી દર્શાવી છે.
PM નરેન્દ્ર મોદીને મધ્યસ્થી કરવા રજૂઆત : પરમવીર સિંહ
અંબાજીમાં ભક્તોને વર્ષો અપાતો પ્રસાદ મોહનથાળ બંધ કરવામાં આવતા દાતાના મહારાજા પરવીર સિંહ નારાજગી વ્યક્ત કરી છે અને તેમણે આ મામલો હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારી દર્શાવી છે. મહારાજા પરમવીર સિંહે જણાવ્યું કે, અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળને લઈ રાજ્યભરના ભક્તોની આસ્થા હવે ખુટી છે. અંબાજી મંદિરમાં 900 વર્ષથી ચાલતી પરંપરા બંધ કરવી યોગ્ય નથી, પરંપરા બંધ કરવાનો કોઈને અધિકાર પણ નથી. તેમણે વર્ષોથી અપાતો મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવા માંગ કરી છે. દાતાના મહારાજાએ અંબાજી મંદિરમાં મહાપ્રસાદ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યસ્થી કરવા રજૂઆત કરી છે.
સમ્માનનીય વડાપ્રધાન સાહેબ@narendramodi શ્રી.
— Maharaj Paramveer singh Danta state (@Danta_sarkar) March 9, 2023
જય માતાજી સાથે વિનંતી કે, અંબાજી શક્તિપીઠ દુનિયામાં જગ વિખ્યાત છે અને ત્યાં મળતો મોહનથાળ પણ ૯૦૦ વર્ષ અગાઉ થી આસ્થા સાથે જોડાયેલ છે તે બંધ કરવો તે યોગ્ય ન હોય આપે હવે હસ્તક્ષેપ કરવો હવે જરૂરી છે.
કારણ કે ભક્તો ની આસ્થા હવે ખૂટે છે.
મુખ્ય પુજારીએ મોહનથાળ માત્ર મિઠાઈ હોવાનું કહેતા ભક્તોમાં રોષ
દરમિયાન અંબાજી મંદિરના મુખ્ય પુજારીએ પણ મોહનથાળ માત્ર મિઠાઈ હોવાના નિવેદન બાદ ભકતોમાં રોષ ફેલાયો છે. ત્યારે અંબાજીમાં આવતા ભક્તો પણ મુખ્ય પુજારીના નિવેદનને વખોડી કાઢ્યું છે અને મોહનથાળને જ પ્રસાદ ગણાવા જણાવ્યું છે. રોષે ભરાયેલા ભક્તો પૂજારીને સવાલ કરી રહ્યા છે કે, આટલા વર્ષો બાદ રહી રહીને તમને ક્યાંથી જ્ઞાન થયું કે, મોહનથાળ પ્રસાદ નથી... ઉલ્લેખનિય છે કે યાત્રાધામ અંબાજીમાં દેશ-વિદેશમાં ભક્તો મોટી સંખ્યામાં દર્શને આવતા હોય છે અને માતાને મોહનથાળનો પ્રસાદ ધરાવતા હોય છે. તો રાજ્યભરમાંથી પણ અંબાજીમાં માતાના દર્શન માટે ભક્તોનું સતત આગમન જોવા મળતું હોય છે, ત્યારે વર્ષોથી માતાને ધરાવાતો મોહનથાળનો પ્રસાદ બંધ કરી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા તમામ ભક્તો સહિત સંસ્થાઓ રોષે ભરાઈ છે. મા અંબાને વર્ષોથી મોહનથાળનો પ્રસાદ ધરાવવામાં આવી રહ્યો છે. મોહનથાળની પરંપરાને તોડી ચિક્કીનો પ્રસાદ શરૂ કરાતા મા અંબાના ભક્તો નિરાશ થયા છે અને તંત્રના નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે.
પ્રસાદનો વિવાદ હાઈકોર્ટમાં પહોંચવાની સંભાવના
યાત્રાધામ અંબાજીમાં પ્રસાદમાં મોહનથાળના બદલે ચિક્કી આપવાનો નિર્ણય કરાયા બાદ ચારેકોર વિરોધનો સૂર ઉઠ્યો છે. મા અંબાને વર્ષોથી ધરાવાતો મોહનથાળનો પ્રસાદ અચાનક બદલી દેવાતા વિવિધ સંસ્થાઓ, આગેવાનો અને પક્ષો દ્વારા અંબાજી વહિવટી તંત્ર અને કલેક્ટરને આવેદન પાઠવવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ ભક્તોમાં પણ આક્રોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન હાલ ભક્તો દ્વારા તંત્રના ચિક્કીના પ્રસાદના નિર્ણયના વિરોધમાં અંબાજીમાં મોહનથાળના પ્રસાદ શરૂ કરાયો છે. તો આ વિવિદ આગામી સમયમાં હાઈકોર્ટ સુધી પણ પહોંચી શકે છે. એવું કહેવાઈ રહ્યું છે કે, હોળીના વેકેશન બાદ અંબાજી પ્રસાદના વિવાદને લઈ હાઈકોર્ટમાં PIL દાખલ શઈ શકે છે.
પ્રસાદને લઈ કોંગ્રેસનો પણ વિરોધ
અંબાજીમાં પ્રસાદનો મામલો વધુ વકરી રહ્યો છે, ત્યારે આ મામલે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી હતી. કોંગ્રેસના ધારાસભ્યોએ અમિત ચાવડાની આગેવાનીમાં યાત્રાધામ વિકાસ બોર્ડમાં સચિવને 6 માર્ચે રજૂઆત કરી હતી. ચીક્કીની જગ્યાએ મોહનથાળનો પ્રસાદ આપવા સચિવને રજૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના ધારાસભ્યો ગત મંગળવારે યાત્રાધામ વિકાસ બોર્ડમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે ચીક્કીનો મુદ્દો ઉઠાવ્યો હતો અને મોહનથાળ એક વાનગી નહીં પણ ભક્તોની શ્રદ્ધા સાથે જોડાયેલી બાબત ગણાવી હતી.
અંબાજી મામલે VHP મંત્રીની ચીમકી
વીએચપીના પ્રદેશ મંત્રી અશોક રાવલે જાહેરમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રીઓને કરોડો રૂપિયા કમાવવા છે. મુસ્લિમો સાથે ભાગીદારીમાં ધંધા કરવા છે. આ ચીક્કીનો નિર્ણય પણ કરોડો રૂપિયા કમાવવા માટે ના કરશો. જો નહીં સુધરો તો આ તમારૂ છેલ્લુ શાસન હશે. માતાજીના પરચા તો શરૂ થઈ ગયાં છે. શ્રીયંત્ર ખંડિત થયું છે અને ગર્ભગૃહમાં નાની આગ લાગી છે. ધજાઓ ફાટી ગઈ છે. હજુ પણ ચેતી જાઓ નહીં તો ધનોતપનોત નીકળી જશે.
પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટતા કરી
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, અંબાજીએ સમગ્ર વિશ્વ માટે આસ્થાનું પ્રતીક છે. કોવિડ દરમ્યાન સવા કરોડ લોકોએ ઓનલાઈન દશન કર્યા હતા અને પ્રસાદ પણ ઓનલાઈન મંગાવી રહ્યા હતા. અગિયારસ, પૂનમ વખતે મોહનથાળ લઈ શકાતો નથી તેવી માન્યતા હતી તેમ છતાંય પ્રસાદ ચાલુ હતો. મંદિર દ્રારા ચીકી પ્રસાદ આપવાનો વિષય છે જેનું આયુષ્ય 3 માસ હોય છે. મોહનથાળ લાંબો સમય ટકતો નથી. સ્પેશિયલ ચીકી, માવાની ચીકી છે તે ફરાળમાં લઇ શક્ય તેવો પ્રસાદ છે. દેશ વિદેશમાં મોકલીએ તો પણ તે બગડે નહીં. જ્યારે મોહનથાળ બગડી જાય છે. જેથી મંદિર દ્વારા ચીક્કીના પ્રસાદનું નક્કી કરવામાં આવ્યું છે. અંબાજીમાં ચીક્કીનો પ્રસાદ જ ચાલશે.