ભાદરવી પૂનમના મેળામાં આંગળીના ટેરવે મળશે તમામ સુવિધાઓ, મોબાઇલ બનશે માર્ગદર્શક
Ambaji Maha Melo : યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મળાની પૂરજોશથી તૈયારીઓ ચાલી રહી છે. ભક્તો વાહનો તેમજ પદયાત્રા મારફતે માતાના દર્શનાર્થે પહોંચ્યા છે. ત્યારે શ્રદ્ધાળુઓને દર્શન મોબાઇલમાં જ મળી જાય તે માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સુવિધા કરવામાં આવી છે.
આજથી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમનો મેળો યોજાઈ રહ્યો છે. જેમાં મેળાની વ્યવસ્થાને લગતાં તમામ મહત્ત્વપૂર્ણ સ્થળોને એકસાથે સંકલિત કરી ક્યુઆર કોડ જનરેટ કરાયો છે. જેમાં ગુગલ મેપ્સ દ્વારા કોઈપણ વ્યક્તિ તેના ઇચ્છિત સ્થાન ઉપર સીધા પહોંચવા માટે કોડને સ્કેન કરી શકે છે. આ કોડ દ્વારા વિસામો, દર્શન સહિતની તમામ સગવડો વિશે યાત્રાળુઓને પોતાના મોબાઇલમાં જાણકારી મળી જશે.
આ ઉપરાંત ભાદરવી પૂનમના મેળા સંબધિત યાત્રાળુઓને સુવિધા માર્ગદશકા બ્રોશર પ્રકાશિત કરવામાં આવ્યું છે. જેમાં મેળાનું સમગ્ર લોકેશન, બસોની રૂટ વાઇઝ વ્યવસ્થા, દાન માટેની ઓનલાઇન સુવિધા, પદયાત્રી સંઘો માટેની સૂચનાઓ, દર્શન વ્યવસ્થા, આરોગ્ય સંબધિત સેવાઓ, સુરક્ષા સલામતી વિષયક માહિતી, વિસામો, ટોઇલેટ, પગરખાં કેન્દ્ર સાથે સમગ્ર મેળાના વર્ચ્યુઅલ રિયાલિટી દર્શન સહિતની તમામ વિગતો દર્શાવવામાં આવેલી છે. જેના દ્વારા યાત્રિકો કોઈપણ પ્રકારની મુશ્કેલી વિના મેળાની વ્યવસ્થાઓ માણી શકે છે.
આ પણ વાંચોઃ મા અંબાના દર્શન કરી પરત ફરતાં માઈભક્તો માટે એસટી વિભાગે કરી ખાસ વ્યવસ્થા, જોઈ લો આ મેપ
+યાત્રાળુઓ માટે વીમાની સુવિધા
ભાદરવી પૂનમના મેળામાં દૂર-દૂરથી લાખો માઈભક્તો માતા અંબાના દર્શનાર્થે આવે છે. અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આ યાત્રાળુઓ માટે 3 કરોડ રૂપિયાનું કવચ પૂરૂં પાડવામાં આવશે. જો યાત્રા દરિમયાન કોઈ માઈ ભક્તનો અકસ્માત થાય તો તે 3 લાખ સુધીનો ક્લેમ કરી શકે તેવું આયોજન કરાયું છે. જેમાં અહીં દર્શને આવતાં યાત્રીઓને અંબાજીના 20 કિ.મી. ઘેરાવામાં એટલે કે અંબાજી, દાંતા અને હડાદ પોલીસ સ્ટેશન હદમાં કોઈ યાત્રિક સંઘો સાથે અકસ્માત થવાના સંજોગોમાં જાનહાનિ જેવી કોઈ કમનસીબ ઘટના સર્જાવાના સંજોગોમાં વીમા કવચ મળશે.
ક્યાં સુધી માન્ય રહેશે આ કવચ?
યાત્રાધામ અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ નિમિત્તે 21 દિવસ સુધી આ વીમા કવચ માન્ય રહેશે. આ વીમા કવચમાં યાત્રીઓને અંબાજીના 20 કિ.મી. ઘેરાવામાં એટલે કે અંબાજી, દાંતા અને હડાદ પોલીસ સ્ટેશનન હદમાં કોઈ યાત્રિક સંઘો સાથે અકસ્માત થવાના સંજોગોમાં જાનહાની જેવી કોઈ કમનસીબ ઘટના સર્જાવાના સંજોગોમાં વીમા કવચ મળશે. મંદિર ટ્રસ્ટ દ્વારા રૂપિયા 14થી 15 લાખ પ્રીમિયમ ભરવામાં આવ્યું છે અને આ વીમો રૂપિયા 3 કરોડ સુધીનો છે.
ST વિભાગે હંગામી બસ સ્ટેશન બનાવ્યા
આ તરફ રાજ્યનું ST તંત્ર પણ મેળાને લઈને સજ્જ બન્યું છે. પદયાત્રીઓને દર્શન બાદ વતન પરત જવા ST વિભાગે 1 હજાર બસોની વ્યવસ્થા કરી છે. જેમાં વિવિધ સ્થળે 10 હંગામી બસ સ્ટેશન બનાવાયા છે.