ભાદરવી પૂનમના મહામેળામાં ભક્તોનું ઘોડાપૂર, બે દિવસમાં 5 લાખ શ્રદ્ધાળુએ કર્યા મા અંબાના દર્શન
Ambaji Bhadarvi Poonam Mahamelo: અંબાજી યાત્રાધામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ મા અંબાના મંદિરમાં ભાદરવી પૂનમના મહામેળાનો ધાર્મિક ભક્તિભાવથી પ્રારંભ થઈ ચૂક્યો છે. મેળાના બીજા દિવસે રાજ્યભરમાંથી બોલ મારી અંબેના ગુંજારવ સાથે 3 લાખ 5 હજારથી વધુ માઈભક્તો દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. માત્ર બે દિવસમાં જ કુલ 4.97 લાખ યાત્રાળુઓએ અંબાજીમાં મા અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા છે. અત્યાર સુધી મંદિરના શિખરે 521 ધ્વજારોહણ થયું છે તથા મોહનથાળ પ્રસાદના 405617 અને ચીકી પ્રસાદના 7609 પેકેટનું વિતરણ થયું છે.
મેળામાં 25 લાખથી વધુ માઈભક્તો ઉમટી પડે તેવી સંભાવના
ભોજન પ્રસાદનો 92500 યાત્રિકોએ લાભ લીધો હતો. 9864 યાત્રાળુઓએ ઉડન ખટોલામાં પ્રવાસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે અંબાજીના સાત દિવસીય ભાદરવી પૂનમના મેળામાં 25 લાખથી વધુ માઈભક્તો ઉમટી પડે તેવી સંભાવના છે. તેઓની સુવિધાઓ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા વહીવટી તંત્રએ વ્યવસ્થા ગોઠવી છે.
યાત્રાધામ અંબાજીમાં રંગેચંગે શરુ થયેલા ભાદરવી પૂનમના મહામેળાના પ્રથમ દિવસે પહોંચેલા યાત્રિકોની સંખ્યા તેમજ ધ્વજારોહણ વિગતોના આંકડાઓ ભેગા કરવામાં વહીવટી તંત્ર ગોથે ચડ્યું હતું. જો કે, મેળાના બીજા દિવસે શુક્રવારે તંત્રએ સતર્કતા દાખવતા ગુજરાત તેમજ દેશભરમાંથી જગત જનની મા અંબાના દર્શન કરવા આવી પહોંચેલા યાત્રિકો તેમજ ધ્વજારોહણ, પ્રસાદ પેકેટ વિતરણ સહિતની માહિતી સમયસર પૂરી પાડી હતી.
આ પણ વાંચો: ખેડૂતોની ખરાઈ ચકાસણીમાં નિયમો બદલાયા, હવે છઠ્ઠી એપ્રિલ 1995 પછીના રેકોર્ડ જ ધ્યાનમાં લેવાશે
પદયાત્રીઓનો ભારે ધસારો અંબાજી તરફ જવાના માર્ગો પર જોવા મળ્યો
અંબાજીમાં દર વર્ષે ભાદરવા સુદ દસમથી શરુ થતાં ભાદરવી પૂનમના મહામેળાની લાખો માઈભક્તો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે. ત્યારે ગુરુવારથી મેળાની શરુઆત થતાં બીજા દિવસે મહેસાણા, પાટણ, સાબરકાંઠા અને બનાસકાંઠાના વિવિધ માર્ગો બોલ મારી અંબે, જય..જય..અંબેના નાદથી ગુંજી ઊઠ્યા છે. ચોતરફ ધ્વજાઓ સાથે પગપાળા સંઘો અને પદયાત્રીઓનો ભારે ધસારો અંબાજી તરફ જવાના માર્ગો પર જોવા મળી રહ્યો છે. અંબાજી મેળાના બીજા દિવસે 30,5724 યાત્રિકો દૂરદૂરથી મોટરમાર્ગે તેમજ પગપાળા આવી પહોંચ્યા હતા.