'અંબાજી દૂર હે, જાના જરૂર હે', ચાર દિવસમાં 16.36 લાખ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યા

Updated: Sep 16th, 2024


Google NewsGoogle News
'અંબાજી દૂર હે, જાના જરૂર હે', ચાર દિવસમાં 16.36 લાખ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યા 1 - image


Ambaji Bhadarvi Poonam Mahamelo: પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે રવિવારે (16મી સપ્ટેમ્બર) ભાદરવી પૂનમ મહા મેળાના ચોથા દિવસે પગપાળા આવતા પદયાત્રીઓનો મહાસાગર હતો. ગુજરાતના સૌથી મોટા ભરાતા લોકમેળામાં રવિવારે અંબાજી આવતા તમામ માર્ગો ઉપર માઈ ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો હતો. જેમ જેમ ભાદરવી પૂનમ નજીક આવતી જાય છે તેમ તેમ અંબાજી આવતા તમામ માર્ગો ઉપર પદયાત્રીઓનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. 

'અંબાજી દૂર હે, જાના જરૂર હે', ચાર દિવસમાં 16.36 લાખ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યા 2 - image

મહામેળાના ચોથા દિવસે 6.48 લાખ માઈભક્તોએ દૂરદૂરથી પગપાળા તેમજ મોટરમાર્ગે પહોંચીને મા અંબાના ચરણોમાં પોતાના શીશ ઝૂકાવ્યા હતા.જયારે ચાર દિવસમાં 16.36 લાખ માઇભક્તોએ માં અંબાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રવિવારે 662 ધ્વજાઓ ચડાવવામાં આવી હતી.

'અંબાજી દૂર હે, જાના જરૂર હે', ચાર દિવસમાં 16.36 લાખ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યા 3 - image

અંબાજી સુધીના માર્ગો પર પદયાત્રિકોનો ભારે ઘસારો 

અંબાજી ભાદરવી પૂનમનો મેળો મધ્યાતરે પહોંચતા જલોતરાથી અંબાજી સુધીના માર્ગો પર પદયાત્રિકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે અંબાજી દૂર હે, જાના જરૂર હેના નાદ સાથે યાત્રિકો સતત આગળ વધી રહ્યા છે. જો કે, વરસાદના વિરામ બાદ ભાદરવો આકરો તપતા પદયાત્રિકો ગરમીથી બચવા માટે છત્રીઓ માથા પર ઓઢીને ચાલતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: રેલવેએ બદલ્યું વંદે મેટ્રોનું નામ, વડાપ્રધાન મોદી આજે પહેલી ટ્રેનને બતાવશે લીલી ઝંડી


બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ તેમના પરિવાર સાથે પદયાત્રીઓને પ્રોત્સાહિત કરવા માટે ત્રિશૂળિયા ઘાટથી અંબાજી મંદિર સુધી પદયાત્રા કરી માતાજીના દર્શનનો લાહવો લીધો હતો. તેઓની સાથે અન્ય પોલીસ કર્મચારીઓ પણ પદયાત્રામાં જોડાયા હતા.

'અંબાજી દૂર હે, જાના જરૂર હે', ચાર દિવસમાં 16.36 લાખ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યા 4 - image

મેળામાં પાંચ હજાર બાળકોને આઈકાર્ડ અપાયા

અંબાજી ભાદરવી પૂનમ મેળા દરમિયાન પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ કરવામાં આવ્યું છે. અંબાજી ખાતે દાંતા, કામાક્ષી મંદિર અને ખોડીવલી સર્કલ એમ ત્રણ જગ્યાએ કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં રવિવાર સુધીમાં બાળ સહાયતા કેન્દ્રો પરથી પાંચ હજાર જેટલા બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા છે. જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે.

આ પણ વાંચો: બનાસકાંઠામાં ખનીજ ચોરીમાં 48 કલાક સર્ચ ઓપરેશન, ભીનું સંકેલવા મોટા ગજાના નેતાના ધમપછાડા

અમદાવાદથી લાલ દંડા સંઘમાં અંબાના ધામ પહોંચ્યો

અમદાવાદથી દર વર્ષે નીકળતા લાલ દંડા સંઘે માં અંબાના ધામ અંબાજી પોહચી માં અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજી આવતા સંઘોમાં સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર અને ઐતિહાસિક મહત્વ ધરાવતો લાલદંડા સંઘ છે. અમદાવાદથી દસ દિવસની કઠિન પદયાત્રા બાદ અંબાજી પહોંચે છે. છેલ્લા 190 વર્ષથી લાલ ડંડા સંઘની પદયાત્રા આજે પણ અવિરત ચાલુ છે. 51 બ્રાહ્મણો તેમજ 450 લોકોએ અમદાવાદથી શરૂ કરેલી પદયાત્રા રવિવારે (16મી સપ્ટેમ્બર) માં અંબાના દર્શન કરી પૂર્ણ થઈ છે. સંઘમાં 50 થી 85 વર્ષના ભક્તો પણ પદયાત્રા કરી રહ્યા છે. 

લાલ દંડા સંઘનો ઇતિહાસ

લાલ દંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો. ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા માં અંબાની બાધા રાખવામાં આવી હતી. જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઇ જશે તો તેઓ માં અંબાનાં દર્શને આવશે. ભાદરવી પૂનમમાં નગરના બ્રાહ્મણો સંઘ લઈ આંબાના સાનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી પાંચ બ્રાહ્મણો પગપાળા અંબાજી આવ્યા હતા. જ્યારે પણ લાલ દંડા સંઘ દાંતા પહોંચે છે, ત્યારે રાજવી પરિવાર દ્વારા તેનું સ્વાગત કરવામાં આવે છે. દાંતા રાજવી પરિવારના જુના મહેલમાં રહેલા માં અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલ દંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે.

'અંબાજી દૂર હે, જાના જરૂર હે', ચાર દિવસમાં 16.36 લાખ ભક્તોએ માં અંબાના ચરણોમાં શીશ ઝૂકાવ્યા 5 - image


Google NewsGoogle News