Get The App

પૃથ્વીનાં બે તૃતિયાંશ ભાગમાં પાણી હોવા છતાં અહીં શુધ્ધ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછુ

Updated: Jun 7th, 2024


Google NewsGoogle News
પૃથ્વીનાં બે તૃતિયાંશ ભાગમાં પાણી હોવા છતાં અહીં શુધ્ધ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછુ 1 - image


8 જૂન, 'વિશ્વ મહાસાગર દિવસ' : વાયુ અને જળ જ પૃથ્વી પર જીવનનો આધાર છે

ભુજ, : દર વર્ષે 8 જૂને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા અધિકૃત રીતે 'વિશ્વ મહાસાગર દિવસ' તરીકે મનાવવાનું જાહેર કરવામાં આવ્યું હતું. જેની શરૂઆત ૨૦૦૯થી થઈ છે, આ સંકલ્પની રજૂઆત ૮ મી જૂન ૧૯૯૨નાં રોજ 'રિઓ દ્ જાનેરો' બ્રાઝીલમાં મળેલ પૃથ્વી સંમેલન (ઈચિાર જીેસસૈા)માં, કેનેડા દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ દર વર્ષે આ દિવસને,અનધિકૃત રીતે, 'વિશ્વ મહાસાગર દિવસ'રૂપે મનાવવામાં આવતો હતો. 

આ દિવસ એ વિશ્વના મહાસાગરોનું સન્માન કરવાની તક રૂપે ઉજવવામાં આવે છે, મહાસાગરો દ્વારા પ્રાપ્ત  વસ્તુઓ જેમકે સમુદ્રી ભોજન, સમુદ્રી યાતાયાત સુવિધાઓ અને અન્ય કેટલીયે કિંમતી સમુદ્રી જણસોની ઉજવણીરૂપે આ દિવસ મનાવાય છે. વૈશ્વિક પ્રદુષણ અને માછલીઓનાં વધુ પ્રમાણમાં સંહારને કારણે કેટલીય સમુદ્રી પ્રજાતિઓ વિનાશનાં આરે પહોંચી ગયેલ છે. જેનાથી સમુદ્રને બચાવવા માટેનાં પ્રયત્નો કરવા જરૂરી છે. પૃથ્વીનાં બે તૃતિયાંશ ભાગમાં પાણી હોવા છતાં અહીં  શુધ્ધ પાણીનું પ્રમાણ ખૂબ જ ઓછુ છે. વાયુ અને જળ જ પૃથ્વી પર જીવનનો આધાર છે. સમુદ્રથી ઘેરાયા હોવાને કારણે પૃથ્વીને 'વોટર પ્લેનેટ' પણ કહેવામાં આવે છે, પરંતુ હવે તેનું અસ્તિત્વ જોખમમાં છે.

મહાસાગર ખાદ્ય સુરક્ષા, જૈવ વિવિધતા, પરિસ્થિતિ સંતુલન જેવી ચીજવસ્તુઓમાં પોતાની મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. દેશોનાં વિકાસ સાથે જ મહાસાગરોનું પ્રદૂષણ પણ ઝડપથી વધી રહ્યું છે. મહાસાગરોમાં વધતા પ્લાસ્ટિક પ્રદુષણનાં કારણે મહાસાગર ધીમે-ધીમે ગંદા થઇ રહ્યા છે. તેનાથી દરિયાઇ જીવોનાં સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. તેઓ ભૂલથી પ્લાસ્ટિકને પોતાનું ભોજન સમજી લે છે જે તેમના માટે જીવલેણ નીવડે છે.  દુનિયાની લગભગ ૩૦ ટકા વસતી દરિયા કિનારાનાં વિસ્તારમાં રહે છે અને તેમનું જનજીવન સમગ્રપણે સમુદ્ર પર નિર્ભર છે. આ ઉપરાંત વિશ્વનાં કેટલાય દેશની અર્થવ્યવસ્થાને પણ વેગ પ્રદાન કરવામાં મહાસાગરનું મોટું યોગદાન હોય છે. વિશાળ મહાસાગરથી પેટ્રોલિયમની સાથે જે અનેક સંસાધનો પણ પ્રાપ્ત થાય છે. વાતાવરણમાં થતા ફેરફાર અને જળવાયુ પરિવર્તનની માહિતી આપવામાં પણ મહાસાગરનું મહત્વનું યોગદાન હોય છે, એટલા માટે તેનું સંરક્ષણ કરવું તે આપણા દરેકની જવાબદારી છે.  


Google NewsGoogle News