મ્યુનિ.ના તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીઓની પણ બદલી
ઝોનમાં ચારથી છ વર્ષ થયા તે બદલાયા ઃ નાયબ આરોગ્ય અધિકારી તરીકે પહેલીવાર મહિલાની નિમણૂંક
સુરત,
સુરત મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ ત્રણ વર્ષ કે તેથી વધુ વર્ષથી ફરજ બજાવતા ડેપ્યુટી ઈજનેર ની સાગમટે બદલી બાદ આજે પાલિકાના તમામ ઝોનના નાયબ આરોગ્ય અધિકારીની પણ બદલી કરવામાં આવી છે. સુરત પાલિકાના ઈતિહાસમાં પહેલી વખત ઝોનના નાયબ અધિકારી તરીકે મહિલાની નિમણૂંક કરવામાં આવી છે.
મ્યુનિ. કમિશનર શાલિની અગ્રવાલે ત્રણ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવનારાઓનો બદલીનો દોર શરૃ કર્યો છે. ડેપ્યુટી ઇજનેરો બાદ નાયબ આરોગ્ય અધિકારીઓની આજે બદલી કરવામાં આવી છે. આ અધિકારીઓ ચાર થી છ વર્ષથી એક ઝોનમાં હતા. રાંદેર ઝોનના કેતન ગરાસીયાને સેન્ટ્રલ ઝોનમાં અને અહી છ વર્ષથી ફરજ બજાવતા મહેન્દ્ર પટેલને વરાછા ઝોનમાં બદલી કરાયા છે. અઠવાઝોનના ડો.કલ્પેશ ખત્રીને કતારગામ ઝોન, ઉધનાના ડો.અર્પિત દૂધવાલાને વરાછા-બી ઝોન અને વરાછા ઝોનના એ.પી.ભટ્ટેને ઉધના ઝોનમાં ખસેડાયા છે. વરાછા-બી ઝોનના કિંજલ પટેલને ઉધના અને વેક્સિનેશનમાં ફરજ બજાવતા અમિતકુમાર પટેલની ઉધના-બી ઝોનમાં બદલી કરાઇ છે.
નાયબ આરોગ્ય અધિકારી તરીકે પહેલીવાર મહિલા રિકીતા પટેલની રાંદેર ઝોનમાં નિમણૂંક કરવામાં આવી છે.