ગણેશ જાડેજાના પડકારના જવાબમાં આજે અલ્પેશ કથીરીયા ગોંડલમાં :પોલીસ તૈનાત
પાટીદાર નેતાઓ અને જયરાજસિંહ જુથ વચ્ચે ઘર્ષણના એંધાણ : સવારે 9 વાગ્યે આશાપુરા માતાજીના મંદિરે દર્શન કરશે, જયરાજસિંહના સમર્થકો કાળાવાવટાં ફરકાવશે : 155 પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગોંડલ : ગોંડલમાં ફરી એક વાર બે જુથો એકબીજાને હાકલા પડકારા કરતા સામસામે આવી ગયા છે. સુલતાનપુરમાં ગણેશ જાડેજાએ પાટીદાર નેતાઓને પડકાર ફેંકતા તેના જવાબમાં જયરાજસિંહના ગઢ ગણાતા ગોંડલમાં અલ્પેશ કથીરીયાએ આવતીકાલ રવિવાર તા. 27ના આવી રહ્યા છે. આની જાણ તેણે ફેસબૂક પર અમે ગોંડલ ાવી રહ્યા છીએ તેવી પોસ્ટ મુકીને કરી હતી. તેની સાથે જીજ્ઞાાસા પટેલ સહિત પાટીદાર અગ્રણીઓ પણ આવી રહ્યા છે ત્યારે ગણેશ જાડેજાના સમર્થકો વિરોધ પ્રદર્શન કરે તેવી શક્યતા ધ્યાને લઈને તંગદિલીને ટાળવા ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
માહિતગાર સૂત્રો અનુસાર કથીરીયા જ્યાં પણ જશે ત્યાં ગણેશના સમર્થકો કાળા વાવટાં ફરકાવીને તેનો વિરોધ કરે તેમ છે જેના પગલે માથાકૂટ થવાની સંભાવના છે. આ ધ્યાને લઈને પોલીસે આવતીકાલે રીબડાથી ગોંડલ આશાપુરા ચોકડી સુધી અને ત્યાંથી ગોંડલના મુખ્ય ચોકમાં 1 ડીવાય.એસ.પી., 19 પી.આઈ. અને પી.એસ.આઈ. સહિત 155 નો પોલીસ સ્ટાફ તૈનાત કર્યો છે.
અલ્પેશ કથીરીયા સહિત પાટીદાર નેતાઓ આવતીકાલે સવારે 9 વાગ્યે ગોંડલના આશાપુરા માતાજીના મંદિરે પહોંચીને દર્શન કરીને અક્ષર મંદિર જશે અને ગોંડલના રાજમાર્ગો પર પસાર થઈને ખોડલધામ તથા મોવિયા,ઘોઘાવદર પણ જઈ શકે છે. રાજકોટ-ગોંડલ વચ્ચે માત્ર 35 કિ.મી.ના અંતરમાં અન્યાયી ટોલનાકુથી માંડીને ગોંડલમાં ભંગાર રસ્તા, ટ્રાફિક જામ, અટકેલા વિકાસકામો સહિત અનેક પ્રશ્નો છે પરંતુ, વિકાસકામોને બદલે હાલ તો એકબીજા નેતાઓના અહં ટકરાવ વચ્ચે ભરી પીવા,દેખાડી દેવાની વાતો થઈ રહી છે.